નોર્ધન આયર્લેન્ડના નેતાઓના સાહસ અને ઇચ્છાશક્તિને બિરદાવતા રિશી સુનાક

ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટની 25મી જયંતિની ઉજવણી, જો બાઇડેન હાજર રહ્યા, રાજકિય નેતાઓને સત્તા વહેંચણીની પ્રક્રિયા શરૂ કરવા રિશી સુનાકની અપીલ

Tuesday 11th April 2023 13:50 EDT
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટની 25મી જંયંતિ નિમિત્તે નોર્ધન આયર્લેન્ડ શાંતિ કરારને આકાર આપવામાં નેતાઓએ બતાવેલા સાહસ, ખંત અને રાજકિય કલ્પનાને બિરદાવી હતી. 1998માં ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટ દ્વારા ઉત્તર આયર્લેન્ડમાં દાયકાઓથી ચાલી રહેલા હિંસક વિવાદનો અંત આવ્યો હતો. વડાપ્રધાન સુનાકે નોર્ધન આયર્લેન્ડમાં રાજકિય પાર્ટીઓના નેતાઓને સ્ટોરમોન્ટમાં સરકાર સહિતની સત્તા વહેંચણીની પ્રક્રિયા શરૂ કરવાની અપીલ કરી હતી. આ મહત્વની સિદ્ધીની ઉજવણીમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેન પણ જોડાયા હતા.

ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટની પ્રશંસા કરતા રિશી સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટિશ અને આઇરિશ સરકારો વચ્ચેની ભાગીદારીના કારણે આ સંધિ શક્ય બની હતી. આ પ્રસંગે અમેરિકાના પ્રમુખ પણ હાજર રહ્યા હતા જે દર્શાવે છે કે આ સંધિને બ્રિટનના ગાઠ સાથીદેશો તરફથી આંતરરાષ્ટ્રીય સમર્થન પ્રાપ્ત છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટ નોર્ધન આયર્લેન્ડમાં થયેલા સમાધાન પર આધારિત છે. આજે આપણે મુશ્કેલ નિર્ણયો લેનારા, સમાધાન સ્વીકારનારા અને સાચું નેતૃત્વ કરી બતાવનારાની પ્રશંસા કરીએ છીએ. તેમણે સાહસ, ખંત  અને રાજકિય ઇચ્છાશક્તિ દર્શાવીને આ સંધિને આખરી ઓપ આપ્યો હતો.

સુનાકે જણાવ્યું હતું કે, હિંસા અટકાવવા અને નિર્દોષોને સંરક્ષણ આપવામાં ઘણા લોકોએ પોતાના જીવનોની આહૂતિ આપી તે યાદ કરવું મહત્વનું છે. આપણે તેમનો આભાર માનીએ છીએ કારણ કે તેમના કારણે નવી પેઢી શાંતિ અને સમૃદ્ધિના વાતાવરણમાં ઉછરી રહી છે.

1921માં નોર્ધન આયર્લેન્ડની રચના કરવામાં આવી અને તે યુકેનો હિસ્સો બની રહ્યો હતો જ્યારે બાકીના આયર્લેન્ડે અલગ દેશ તરીકે રહેવાનું પસંદ કર્યું હતુ. જેના કારણે નોર્ધન આયર્લેન્ડની જનતામાં વિભાજન સર્જાયું હતું. યુનિયનિસ્ટ એમ માનતા હતા કે નોર્ધન આયર્લેન્ડે યુકેની સાથે રહેવું જોઇએ જ્યારે રાષ્ટ્રવાદીઓ એમ માનતા કે નોર્ધન આયર્લેન્ડે રિપબ્લિક ઓફ આયર્લેન્ડનો હિસ્સો બની રહેવું જોઇએ. જેના કારણે 1960ના દાયકાથી 1998 સુધી નોર્ધન આયર્લેન્ડમાં હિંસા ચાલતી રહી હતી. જેમાં બંને પક્ષના હજારો લોકોના મોત થયાં હતાં.

રિશી સુનાકે જણાવ્યું હતું કે, ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટ બાદ નોર્ધન આયર્લેન્ડે કરેલી પ્રગતિ અત્યંત મહત્વની છે. આપણે 1998માં આપેલા વચનોના પાલન માટેના પ્રયાસો બમણા કરવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter