નોર્ધન આયર્લેન્ડના ભવિષ્ય માટે સત્તાની વહેંચણી અત્યંત મહત્વની – બાઇડેન

ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટ – અમેરિકી પ્રમુખે નોર્ધન આયર્લેન્ડની મુલાકાત લીધી, મારી મુલાકાતની પ્રાથમિકતા અહીં શાંતિની જાળવણી છે – અમેરિકી પ્રમુખ

Tuesday 18th April 2023 12:55 EDT
 
 

લંડન

નોર્ધન આયર્લેન્ડને યુકેમા સામેલ કરતા ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટની 25મી જયંતિ નિમિત્તે અમેરિકાના પ્રમુખ જો બાઇડને નોર્ધન આયર્લેન્ડની ટૂંકી મુલાકાત દરમિયાન આ પ્રદેશમાં પ્રવર્તતી શાંતિ અને મૂડીરોકાણ વધારવાના લાભ પ્રાપ્ત કરવા માટે રાજકિય સમાધાનની હાકલ કરી હતી. જો બાઇડેન નોર્ધન આયર્લેન્ડમાં અડધો દિવસ રોકાયા હતા તે દરમિયાન તેમણે બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ આયર્લેન્ડના અઢી દિવસના પ્રવાસે રવાના થઇ ગયા હતા જ્યાં તેમણે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. જો બાઇડેનના પૂર્વજો આઇરિશ હતા.

બેલફાસ્ટમાં ઉલસ્ટર યુનિવર્સિટી ખાતે સંબોધન કરતાં બાઇડેને જણાવ્યું હતું કે, આ સ્થિતિના નિર્માણ માટે ઘણા વર્ષો સુધી આકરી મહેનત કરવી પડી છે. હું યુવા સેનેટર હતો ત્યારે મેં બેલફાસ્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આ શહેર ઘણું બદલાઇ ગયું છે. આજનું બેલફાસ્ટ નોર્ધન આયર્લેન્ડનું ધબકતું હૃદય છે અને આર્થિક તકો ઝડપી લેવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાની ઘણી કંપનીઓ અહીં મૂડીરોકાણ કરવા ઇચ્છે છે.

બાઇડેને જણાવ્યું હતું કે, નોર્ધન આયર્લેન્ડના ભવિષ્ય માટે સત્તાની વહેંચણી અત્યંત મહત્વની છે. એક અસરકારક સરકાર આ પ્રદેશ માટે મહાન તક લઇને આવશે. હું આશા રાખું છું કે ટૂંકસમયમાં એસેમ્બ્લી અને એક્ઝિક્યુટિવની પુનઃસ્થાપના કરાશે. આ નિર્ણય મારે નહીં પરંતુ તમારે લેવાનો છે. હું આશા રાખું છું કે તેમ થશે. નોર્ધન આયર્લેન્ડની મારી આ મુલાકાતની પ્રાથમિકતા શાંતિની જાળવણી છે.

 બાઇડને સુનાકને બાજુમાં હડસેલી અપમાનિત કર્યા

નોર્ધન આયર્લેન્ડને યુકે સાથે ભેળવતા ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટના 25 વર્ષની ઉજવણી નિમિત્તે આવેલા અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુકેના વડાપ્રધાન રિશી સુનાકને અપમાનિત કર્યા હતા. મંગળવારે રાત્રે રોયલ એરફોર્સના એલ્ડરગ્રોવ મથક ખાતે બાઇડનનું એરફોર્સ વન વિમાન લેન્ડ થયું હતું. તે સમયે તેમને આવકારવા વડાપ્રધાન રિશી સુનાક સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યાં હતાં. બાઇડેનના અભિવાદન સમયે રિશી સુનાક વિપરિત સ્થિતિમાં મૂકાયા હતા કારણ કે જો બાઇડેને અન્ય કોઇ વ્યક્તિ સાથે હાથ મિલાવવા માટે રિશી સુનાકને બાજુમાં હડસેલી દીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter