લંડનઃ મકાનમાલિક અને ભાડૂત વચ્ચે ખટરાગ થયા કરવો સ્વાભાવિક છે. ભાડૂતો દ્વારા મકાનમાલિકો સામે ફરિયાદો થતી રહે છે. યુકેમાં નોર્ધમ્પ્ટનમાં લેન્ડલોર્ડ્ઝ સામે સૌથી વધુ ફરિયાદ થઈ છે જ્યારે સાલફોર્ડ બીજા ક્રમે આવે છે.સૌથી વધુ ફરિયાદ ધરાવતા વિસ્તારોમાં છઠ્ઠા ક્રમે સ્વિન્ડોન પણ આવે છે.
HouseholdQuotes દ્વારા ફરિયાદશોધક ટૂલ મારફત ક્યા વિસ્તારોમાં રોષે ભરાયેલા ભાડૂતો ફરિયાદ કરે છે તે જાણવા હજારો ટ્વીટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. યુકેમાં મકાનમાલિકો સામે સૌથી વધુ ફરિયાદના વિસ્તારોની યાદીમાં પ્રથમ ક્રમે નોર્ધમ્પ્ટન (20.5 ટકા ટ્વીટ્સ) આવે છે. આ પછી સાલફોર્ડ (18.7 ટકા), એબેરડિન (18.6 ટકા), ડોનકાસ્ટર (18.4 ટકા), ટેલફોર્ડ (18.4 ટકા ટ્વીટ્સ)નો ક્રમ છે.
યુકેમાં પાંચમાંથી એક ટકા ઘર ભાડે અપાય છે. મકાનમાલિકોએ આમાંથી આઠમાંથી એક (13 ટકા) ઘરમાં આરોગ્ય અને સલામતીને ગંભીર જોખમ હોય તેવી સ્થિતિ રાખેલી છે. ભાડાંનું ઘર બદલવા માગતા લોકો બાબતે યુકેના 25 ટકા મકાનમાલિકો બ્રિટિશ પાસપોર્ટ નહિ ધરાવનારા સાથે ભેદભાવ રાખતા હોવાનું જણાય છે. બીજી તરફ, હાઉસ ઓફ કોમન્સ કમિટીના નવા રિપોર્ટ મુજબ અડધાથી વધુ (52 ટકા) મકાનમાલિકો હાઉસિંગ બેનિફિટ્સના દાવેદારો માટે પ્રવેશ બંધ જ રાખે છે.

