લંડનઃ હેનરી નોવાક કેસની તપાસમાં સરકારી એજન્સીઓની ગંભીર નિષ્ફળતાઓ ઉજાગર કરતાં શીખ ફેડરેશને પબ્લિક ઇન્કવાયરીની માગ કરી છે. ફેડરેશનના પોલિટિકલ એન્ગેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ દબિન્દરજીત સિંહે હોમ સેક્રેટરી શબાના માહમૂદ, જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમી અને એટર્ની જનરલ રિચર્ડ હર્મરને પત્ર લખીને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે હત્યામાં વપરાયેલા હથિયાર અંગે ફેલાવવામાં આવેલી ખોટી માહિતી શીખ સમુદાય માટે ભારે નુકસાનકારક સાબિત થઈ છે.
પત્રમાં જણાવાયું છે કે, હેનરી નોવાકનું મૃત્યુ અટકાવી શકાયું હોત કે કેમ તે અંગે હજુ પણ ગંભીર પ્રશ્નો ઉભા છે. હેમ્પશાયર પોલીસ સામે ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પણ સંપૂર્ણપણે અપૂરતી છે.
દબિન્દરજીત સિંહે પત્રમાં જણાવ્યું છે કે, ગુનેગાર સામે ફોજદારી ન્યાયની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે પરંતુ આ કેસ દ્વારા સામે આવેલી વહીવટી તંત્રની વ્યાપક અને પ્રણાલીગત નિષ્ફળતાઓની તાત્કાલિક સ્વતંત્ર અને પારદર્શક તપાસ થવી અત્યંત જરૂરી છે. અદાલતી કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓનું વર્તન અને સાંસ્કૃતિક મુદ્દાઓ વિવિધ સરકારી સંસ્થાઓની સામૂહિક નિષ્ફળતા દર્શાવે છે. આ સમગ્ર મામલામાં જવાબદારી નક્કી કરવા માટે પબ્લિક ઇન્ક્વાયરી જ એકમાત્ર યોગ્ય માધ્યમ છે.


