નોવાકની હત્યામાં વપરાયેલા હથિયારને કિરપાણ ગણાવવા પર ગંભીર સવાલો

હત્યારા દ્વારા કરાયેલા ખોટા દાવાને સ્વીકારી લેવાયો હોવાનો આરોપ, હુમલામાં વપરાયેલ હથિયાર કિરપાણ નહોતી, એક ચોક્કસ ઘટના માટે આખા ધાર્મિક સમુદાયને બદનામ કરવો જોઇએ નહીઃ 11 શીખ સાંસદોનું સંયુક્ત નિવેદન

Tuesday 09th June 2026 10:20 EDT
 
 

લંડનઃ હેનરી નોવાકની હત્યામાં વપરાયેલા હથિયાર અંગે ફેલાવવામાં આવેલી ખોટી માહિતી સામે શીખ ફેડરેશને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ફેડરેશનનો આરોપ છે કે આ ખોટી માહિતી શીખ સમુદાય માટે ભારે નુકસાનકારક સાબિત થઈ છે.

ફેડરેશનના અગ્રણી દબિન્દરજીત સિંહે જણાવ્યું છે કે, અદાલતી કાર્યવાહી દરમિયાન સરકારી વકીલોએ જણાવ્યું હતું કે દિગ્વાએ 21 સેન્ટીમીટરની બ્લેડ ધરાવતી ધાર્મિક છરીનો ઉપયોગ કર્યો હતો જે તેના શીખ ધર્મના ભાગરૂપે રાખવામાં આવતી કિરપાણ હતી. જો કે ઘટના સમયે તે એક નાની ધાર્મિક કિરપાણ ધારણ કરેલો પરંતુ હત્યાના હથિયાર તરીકે જે બીજી બ્લેડનો ઉપયોગ થયો હતો તેને ટ્રાયલ જજે મોટી શીખ ડેગર તરીકે વર્ણવી હતી. સ્ટેટ્ચ્યુટરી ગાઇડલાઇન અનુસાર કિરપાણની વ્યાખ્યા સ્પષ્ટ છે અને વળાંક ધરાવતી બ્લેડ જ કિરપાણ ગણાય છે. પોલીસ પાસે હત્યામાં વપરાયેલ હથિયાર છ મહિનાથી વધુ સમય સુધી કબજામાં હતું અને તેઓ જાણતા હતા અથવા તેમને જાણ હોવી જોઈતી હતી કે આ હથિયારની બ્લેડ સીધી હતી, જે કિરપાણ હોઈ શકે જ નહીં. હત્યારા દ્વારા હથિયાર અંગે રજૂ કરવામાં આવેલા ખોટા દાવાને અદાલતમાં પડકાર્યા વિના સ્વીકારી લેવાને કારણે ન્યાય પ્રણાલીએ આ મામલે ભ્રામક અને નુકસાનકારક માહિતી ફેલાવવામાં અજાણતા મદદ કરી છે.

11 શીખ સાંસદોના એક જૂથે સંયુક્ત નિવેદન જાહેર કરીને 18 વર્ષના વિદ્યાર્થી હેનરી નોવાકની હત્યા સાથે શીખ ધર્મને ન સાંકળવા અપીલ કરી છે. આ સંયુક્ત નિવેદન પર બ્રિટિશ શીખોના ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના અધ્યક્ષ અને લેબર પાર્ટીના સાંસદ જસ અઠવાલ, પ્રીત કૌર ગિલ અને તન ઢેસી સહિતના અનેક હાઈ-પ્રોફાઈલ શીખ સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. સાંસદોએ જણાવ્યું હતું કે, આ મામલો શીખ ધર્મનો નહોતો. આ એક વ્યક્તિ દ્વારા ઘાતક હથિયાર રાખવા અને ઘાતકી હત્યા આચરવાનો મામલો હતો.

સાંસદોએ નિવેદનમાં નોવાકની હત્યાને ભયાનક અને અવિવેકી ગુનો ગણાવીને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું છે કે, શીખ સાંસદો તરીકે અમારું માનવું છે કે તથ્યો સ્પષ્ટ કરવા અત્યંત જરૂરી છે. આ કેસ શીખ ધર્મ વિશે નહોતો અને હુમલામાં વપરાયેલું હથિયાર કિરપાણ નહોતી. અને આ કેસમાં કોઈ ધાર્મિક મુક્તિ મળી શકે નહીં. અદાલતના ચુકાદા અનુસાર તે એક ઘાતક હથિયાર હતું. ગુનેગારને યોગ્ય રીતે જ દોષિત ઠેરવીને સજા ફટકારવામાં આવી છે. છરાબાજીના ગુનાઓ સતત પરિવારો અને સમુદાયોને બરબાદ કરી રહ્યા છે અને આ ચોક્કસ ઘટનાનો ઉપયોગ આખા ધાર્મિક સમુદાયને બદનામ કરવા માટે ન થવો જોઈએ.

કોઈ એક વ્યક્તિના કૃત્ય માટે સમગ્ર જૂથને દોષિત ઠેરવી શકાય નહીઃ સાંસદ અદનાન હુસૈન

નોવાકની હત્યા બાદ સાઉધમ્પ્ટનના શીખ સમુદાયમાં વધી રહેલા ભય અને ધાકધમકીના અહેવાલો વચ્ચે અપક્ષ સાંસદ અદનાન હુસૈને જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિના કૃત્ય માટે સમગ્ર જૂથને દોષિત ઠેરવી શકાય નહીં. બ્લેકબર્નના સાંસદે અદનાન હુસૈને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ગુના માટે શીખ રહેવાસીઓએ હેરાનગતિનો સામનો કરવો ન જોઈએ. આ અત્યંત આઘાતજનક છે. કોઈપણ સમુદાયે આ પ્રકારે ભયના ઓથાર હેઠળ જીવવું ન જોઈએ અને કોઈ એક વ્યક્તિના ગુનાઓ માટે આખા સમુદાયને જવાબદાર ન ઠેરવી શકાય. હું શીખ સમુદાય પ્રત્યે મારી એકતા દર્શાવું છું. સરકારે તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ અને જરૂરી આશ્વાસન પૂરું પાડવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter