ન્યાય અને સત્ય વગરનું આશ્વાસન અધૂરુઃ પીડિત પરિવારોનો વલોપાત

એર ઇન્ડિયા ક્રેશનું સત્ય ક્યારે બહાર આવશે, તપાસ એજન્સીઓની કામગીરી અને પારદર્શિતા પર વેધક સવાલ

Tuesday 16th June 2026 12:56 EDT
 

લંડનઃ અમદાવાદથી ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171ની ગોઝારી ઘટનાને 12 જૂનના રોજ એક વર્ષ પૂરું થયું હતું. સેંકડો શોકગ્રસ્ત પરિવારો આજે પણ ન્યાય અને સવાલોના જવાબની રાહ જોઈ રહ્યા છે. ઘણા પરિવારો આજે પણ એ જ તીવ્ર પીડા સાથે સવાલો પૂછી રહ્યા છે કે, વિમાન કયા કારણે તૂટી પડ્યું? શું આ અકસ્માત નિવારી શકાયો હોત? શું અંતિમ તપાસ અહેવાલ તેમને માનસિક શાંતિ આપી શકશે? પીડિત પરિવારોનું કહેવું છે કે ન્યાય અને સત્ય વગર તેમનું આશ્વાસન અધૂરું છે. કાટમાળ ભલે સાફ થઈ ગયો હોય, પરંતુ સત્યની શોધ હજુ ચાલુ છે.

મનની શાંતિ અને ન્યાય માટે અંતિમ રિપોર્ટ અત્યંત જરૂરીઃ નીલેશ જોશી

પ્લેન ક્રેશમાં પત્ની કામિનીબેનને ગુમાવનાર નીલેશ જોશીએ તપાસમાં થઇ રહેલા વિલંબ પર વેધક સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ આ દુર્ઘટનાની તપાસમાં આટલો લાંબો સમય કેમ લઈ રહ્યા છે? મારા જેવા લોકો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના મનની શાંતિ અને ન્યાય માટે આ અંતિમ રિપોર્ટ બહાર આવવો ખૂબ જ જરૂરી છે.

ક્રેશનું અસલ કારણ જાણવા બ્લેક બોક્સનો ડેટા પીડિતોને મળવો જોઇએઃ દેવર્ષ પટેલ

આ અકસ્માતમાં પોતાના માતા-પિતાને ગુમાવનાર દેવર્ષ પટેલે જણાવ્યું કે, અમને આ મામલે સ્પષ્ટતા જોઈએ છે. બ્લેક બોક્સનો ડેટા સગા સંબંધીઓને મળવો જોઈએ જેથી અમને ખબર પડે કે ક્રેશનું અસલી કારણ શું હતું. એક વર્ષ પછી પણ એજન્સીઓ તેમ કરવામાં નિષ્ફળ રહી છે.

ન્યાયના તમામ વચનો માત્ર કાગળ પરના શબ્દો જ સાબિત થયાં છેઃ પાર્થ પટેલ

આણંદના પાર્થ પટેલ માટે 12 જૂન માત્ર એક તારીખ નથી પરંતુ જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવો દિવસ છે. પાર્થ પટેલ કહે છે કે, આ એક એવી તારીખ છે જેણે પરિવારને ક્યારેય ન રૂઝાય તેવું ઊંડું દુઃખ આપ્યું છે અને તંત્રની ઉદાસીનતા, જવાબદારીનો અભાવ અને કોઈ સ્પષ્ટ ખુલાસો ન મળવાને કારણે આ આઘાત વધુ ઘેરો બન્યો છે. તેમણે માતા હેમાંગિનીબેન, કાકા રજનીકાંત અને કાકી દિવ્યાબેનને હંમેશ માટે ગુમાવી દીધાં હતાં. પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ આને માત્ર એક દુર્ઘટના કહી રહી છે પરંતુ વાસ્તવમાં સમગ્ર વ્યવસ્થાતંત્રની સૌથી મોટી નિષ્ફળતા છે. એક વર્ષ વીતી ગયું હોવા છતાં અમારી પાસે હજુ સુધી કોઇ અંતિમ તપાસ અહેવાલ નથી કે કોઇની જવાબદારી નક્કી કરાઇ નથી. ન્યાયના તમામ વચનો માત્ર કાગળ પરના શબ્દો જ સાબિત થયાં છે.

અમે આ પ્રકરણનો કાયમી ઉકેલ લાવો, ડેટા સાર્વજનિક કરોઃ અનિલ વ્યાસ

ક્રેશમાં જીવ ગુમાવનારા અમદાવાદના રહેવાસી દિલીપ પટેલ અને મીના પટેલના પુત્ર દેવર્ષ પટેલે પણ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. તેઓ કહે છે કે, અમે આ પ્રકરણનો કાયમી ઉકેલ ઈચ્છીએ છીએ. બ્લેક બોક્સનો ડેટા સગા-સંબંધીઓને સોંપવો જોઈએ જેથી અમને અકસ્માતનું સાચું કારણ ખબર પડી શકે. એક વર્ષ પછી પણ તપાસ એજન્સીઓ આ ડેટા આપવામાં નિષ્ફળ રહી છે. પુત્રી કોમીને ગુમાવનાર રાજસ્થાનના બાંસવાડાના અનિલ વ્યાસ એક ડગલું આગળ વધીને માંગ કરે છે કે, અમે ઇચ્છીએ છીએ કે આ સમગ્ર ડેટા સાર્વજનિક કરવામાં આવે.

તપાસમાં એવું ગંભીર શું છે કે અહેવાલ જાહેર કરાતો નથીઃ રાજેશ અવૈયા

સુરતના રાજેશ અવૈયાએ આ દુર્ઘટનામાં તેમના 29 વર્ષીય નાના ભાઈ હાર્દિક અને તેની મંગેતરને ગુમાવ્યા છે. રિપોર્ટમાં થઈ રહેલા અસાધારણ વિલંબથી નારાજ રાજેશે ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું એ અહેવાલમાં કંઈક એવું ગંભીર છે જેનાથી સત્તાવાળાઓ તેને જાહેર કરતા ડરી રહ્યા છે? અમે મંત્રીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ત્યાંથી પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી.

રિપોર્ટ જારી કરવામાં વિલંબ માનસિક આઘાતને વધુ ગંભીર બનાવે છેઃ ડેવિડ ક્રિશ્ચિયન

અમદાવાદના રહેવાસી ડેવિડ ક્રિશ્ચિયન, જેમણે આ અકસ્માતમાં તેમના 38 વર્ષીય પુત્ર રોઝર અને પુત્રવધૂ રચનાને ગુમાવ્યા હતાં. તેમના મતે આ રિપોર્ટ મેળવવો એ માત્ર સાંત્વના નથી પણ તેમનો અધિકાર છે. તેમણે જણાવ્યું કે, અકસ્માત શેના કારણે થયો તે જાણવાનો અમને પૂરો હક છે. વડોદરાના 71 વર્ષીય એડવિન પટેલીયા માટે આ રિપોર્ટની રાહ જોવી એ માનસિક આઘાતને વધુ ગંભીર બનાવવા સમાન છે. તેમની 42 વર્ષીય પુત્રી એલ્સીના મેકવાન આ ક્રેશમાં મૃત્યુ પામી હતી. તેમણે જણાવ્યું કે, હું અને મારી પત્ની એગ્નેસ માત્ર સત્ય જાણવા માંગીએ છીએ. હાલ યુકે સ્થિત વડોદરાના મોહમ્મદ શેઠવાલાએ 24 વર્ષીય પત્ની સાદિકાબાનુ તપેલીવાલા અને યુકેમાં જન્મેલી 2 વર્ષની પુત્રી ફાતિમાને ગુમાવી છે. તેમણે વ્યથા ઠાલવતા કહ્યું કે, આ ઘટના કેમ બની તેનો મને હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.

હું હજુય મારી માતાના ફોનની રાહ જોઉં છુઃ પ્રજ્ઞા દેવજી

એર ઇન્ડિયા ક્રેશમાં માતા-પિતાને ગુમાવનાર પ્રજ્ઞા દેવજીએ આપવીતી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારી માતા મને રોજ ફોન કરતી હતી. આ અકસ્માત પછી પણ હું બસ મારી માતાના ફોનની જ રાહ જોયા કરું છું. લેસ્ટરમાં દુકાન ચલાવતા પિતા અને માતાને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે, હું એ બંનેને ખૂબ જ મિસ કરું છું... કારણ કે હવે મારું કોઈ નથી રહ્યું. હું મારી માતાને કેવી રીતે ફોન કરું?

મને માત્ર ન્યાય જોઇએ છે, મારે જાણવું છે કે અકસ્માત કેવી રીતે થયોઃ ભાવિકા પટેલ

પશ્ચિમ લંડનના સાઉથોલના રહેવાસી ભાવિકા પટેલે આ દુર્ઘટનામાં તેમના પતિ કેતન કુમાર પટેલ અને સાસુ સવિતાબેન પટેલને ગુમાવ્યા છે. ભાવિકાબેને જણાવ્યું હતું કે, તેઓ હવે એકલા હાથે દુકાન સંભાળવા અને બે બાળકોનો ઉછેર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મને માત્ર ન્યાય જોઈએ છે. મારે જાણવું છે કે આ અકસ્માત કેવી રીતે થયો. મારા બાળકો આઘાતમાં છે અને તેમને કાઉન્સેલિંગની જરૂર છે. પણ અહીં કોઈને અમારી પરવા નથી. એર ઇન્ડિયા દ્વારા ચૂકવાયેલું વચગાળાના વળતરની રકમ બિઝનેસના દેવા ચૂકવવામાં જતી રહી છે અને તે પરિવારને મદદ કરવા માટે પૂરતી નથી. હું દિવસ-રાત કામ કરવા મજબૂર છું, આ વળતર પૂરતું નથી.

ભારત અને બ્રિટન સરકાર તેમજ એર ઈન્ડિયા તરફથી કોઈ નક્કર સહયોગ મળ્યો નથીઃ શ્વેતા પરિહાર

પ્લેન ક્રેશમાં પતિ અભિનવ પરિહારને ગુમાવનારા શ્વેતા પરિહારનો આરોપ છે કે, ભારત અને બ્રિટન સરકાર તેમજ એર ઈન્ડિયા તરફથી કોઈ નક્કર સહયોગ મળ્યો નથી.શ્વેતાએ નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું કે, હવે બધું જ બરબાદ થઈ ગયું છે. પોતાના 11 વર્ષના પુત્રની માનસિક સ્થિતિ વિશે વાત કરતા શ્વેતા કહે છે કે, હવે તે નાની નાની વાતોમાં રડવા લાગે છે. દરેક નાની બાબત તેને વિચલિત કરી દે છે. અમને હજી પણ વિશ્વાસ નથી થતો કે આવું બન્યું છે. અમે હજી પણ આઘાતમાં છીએ અને રાત્રે ઊંઘી શકતા નથી સિંગલ મધર તરીકે જીવનની નવી શરૂઆત કરવા માટે મને વ્યવહારિક મદદની જરૂર છે, જેમાં યુકેમાં સ્થિર નોકરી, વર્ક પરમિટ અથવા સ્પોન્સરશિપ અને પુત્રના શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ માટે આર્થિક સહાયનો સમાવેશ થાય છે.

અમે અમારા પરિવારનું હૃદય ગુમાવી દીધું હતુઃ સાગર પટેલ

લંડનમાં બિઝનેસ મેનેજર તરીકે કામ કરતા સાગર પટેલના માતા, હસુમતીબેન પટેલ, ભારતમાં રહેતા પરિવારને મળીને યુકે પરત ફરી રહ્યા હતા. સાગરે ભારે હૈયે જણાવ્યું, અમે અમારા પરિવારનું હૃદય ગુમાવી દીધું છે. પિતાના અવસાન પછી હું મારી માતાને જ સર્વસ્વ માનતો હતો. તેઓ મારો મુખ્ય આધારસ્તંભ હતા. અમારો એક પરંપરાગત નિયમ હતો. વિમાનમાં બેઠા પછી તેઓ હંમેશા મને ફોન કરતા અને કહેતા, હા, હું ફ્લાઇટમાં બેસી ગઈ છું. પછી મળીએ. મેં તેમને કહ્યું હતું કે હું તમને લેવા માટે એરપોર્ટ આવીશ, પછી મળીએ. મારી તેમની સાથે આ છેલ્લી વાતચીત હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter