લંડનઃ સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા ૧,૧૯૬ મહાનુભાવને ન્યુ ઓનર્સ લિસ્ટ-૨૦૧૬માં સ્થાન અપાયું છે. આ યાદીમાં ૩૫ જેટલા સાઉથ એશિયનોનો સમાવેશ પણ થયો છે. કેન્સર રીસર્ચ, યુકેના ચીફ એક્ઝીક્યુટિવ હરપાલસિંહ કુમારને હેલ્થ સેક્ટરમાં પ્રદાન બદલ નાઈટહૂડ એનાયત કરાયુ છે. બ્રિટનની બે અગ્રગણ્ય બિઝનેસવિમેનને નવા વર્ષની યાદીમાં ડેમનું બહુમાન અપાયું છે. યાદીમાં ૪૮ ટકા (૫૭૮) મહિલાને સ્થાન મળવા સાથે લૈંગિક સમાનતા દર્શાવવાનો પણ પ્રયાસ થયો છે. આ વર્ષે કળા, જ્ઞાન, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં અસાધારણ સેવા આપનારા ત્રણ સભ્યને ઓર્ડર ઓફ મેરિટમાં સ્થાન મળ્યું છે. આ એવોર્ડ મહારાણીની અંગત ભેટ ગણાય છે અને મર્યાદિત સંખ્યામાં અપાય છે.
ન્યુ ઓનર્સ લિસ્ટ-૨૦૧૬માં આ વર્ષે ૧,૦૪૪ મહાનુભાવની BEM, MBE અને OBE સ્તરે પસંદગી કરાઈ છે, જેમાં ૩૨૯ BEM, ૪૭૨MBE અને ૨૪૩OBE નો સમાવેશ થાય છે. કુલ ૭૬ ટકા એવોર્ડ સ્થાનિક કોમ્યુનિટીમાં અથવા તેના માટે અસાધારણ કાર્ય કરનારાને ફાળે ગયા છે. ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ દ્વારા વિદેશમાં બ્રિટન માટે નોંધપાત્ર સેવા માટે ૭૨ એવોર્ડ જાહેર કરાયા છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ, પરોપકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી, કાયદો અને વ્યવસ્થા, ઉદ્યોગ અને અર્થતંત્ર, શિક્ષણ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં સેવા આપનારાને પણ યાદીમાં સ્થાન મળ્યું છે.
એશિયન એવોર્ડવિજેતાની યાદી આ મુજબ છેઃ
નાઈટહૂડ-
• હરપાલસિંહ કુમારઃ કેન્સર રીસર્ચ, યુકેના ચીફ એક્ઝીક્યુટિવ, કેન્સરના અટકાવ, વહેલા નિદાન, સારવાર અને સંભાળના સંશોધનક્ષેત્રમાં અનન્ય પ્રદાન. તેઓ બાયોમેડિકલ રિસર્ચ એન્ડ ઈનોવેશનના વિશ્વસ્તરીય કેન્દ્ર ફ્રાન્સિસ ક્રીક ઈન્સ્ટિટ્યુટની સ્થાપનામાં અગ્રેસર રહ્યા હતા.
ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરઃ
કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE)
• ઝમીર મોહમ્મદ ચૌધરીઃ બેસ્ટવેના ચીફ એક્ઝીક્યુટિવ, યુકેની હોલસેલ ઈન્ડસ્ટ્રી, યુકે અને વિદેશમાં ચેરિટીના ક્ષેત્રે પ્રદાન બદલ સન્માનિત, તેઓ યુકેમાં બીજા ક્રમના સૌથી ધનવાન પાકિસ્તાની વ્યક્તિ છે. તેમનું બેસ્ટવે ફાઉન્ડેશન આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે કાર્યરત છે.
• સમીર દેસાઈઃ ફન્ડિંગ સર્કલના સહસ્થાપક અને ડિરેક્ટર. તેમની આ સંસ્થા નાના બિઝનેસીસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના ૪૦,૦૦૦થી વધુ ઈન્વેસ્ટર્સ દ્વારા યુકે, યુએસએ, જર્મની, સ્પેન અને નેધરલેન્ડ્સના ૧૨,૦૦૦ બિઝનેસને એક બિલિયન પાઉન્ડથી વધુનું નાણાધીરાણ કરાયું છે. નાણાકીય ક્ષેત્રે સેવા બદલ સન્માનિત
•ડો. રેમિન્દરસિંહ રેન્જર, MBE: સન માર્ક લિમિટેડના ચેરમેન રેમી રેન્જર નામે વધુ લોકપ્રિય છે. તેમની આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વિતરણ કંપનીએ સતત પાંચ વર્ષ ક્વીન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ હાંસલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એન્ટ્રેપ્રીન્યોર તથા સામાજિક અને રાજકીય સુધારક ડો. રેન્જરે ક્વીનના હસ્તે સાત વખત સન્માન પ્રાપ્ત કરેલ છે. બિઝનેસ અને કોમ્યુનિટીની સેવા બદલ સન્માનિત.
• યાસ્મિન શેખ, MBE: બ્રિટિશ કોમ્યુનિટી ઓનર્સ એવોર્ડ્ઝના સહસ્થાપક. બ્રિટિશ સમાજમાં બ્રિટિશ મુસ્લિમ સમુદાયના રચનાત્મક પ્રદાનની પ્રસિદ્ધિ અર્થે આ એવોર્ડ્ઝની સ્થાપના કરાઈ હતી. મહિલા અને સામાજિક એકીકરણના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (OBE)
• દલજિત લાલીઃ નોર્ધમ્બરલેન્ડ કાઉન્ટી કાઉન્સિલના ડેપ્યુટી ચીફ એક્ઝીક્યુટિવ અને નોર્ધમ્બ્રીઆ હેલ્થકેર NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના જોઈન્ટ ડિરેક્ટર, ઈન્ટીગ્રેટેડ કેરના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• રાજ નાય્યરઃ HM રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગ, લંડનમાં પોલિસી એડવાઈઝર, ટેક્સ પોલીસીની ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• કલા પટેલઃ કિડ્ડીકેર લિમિટેડ (નર્સરીઝ)ના મેનેજિંગ ડિરેક્ટર. કલાબહેન પટેલ ૧૬ વર્ષની વયે કેન્યાથી યુકે આવ્યાં હતાં. બાળસંભાળના ધોરણથી નિરાશ થઈ તેમણે આ સંસ્થા સ્થાપી હતી. તેમણે સંખ્યાબંધ એવોર્ડ્ઝ હાંસલ કર્યાં છે. આગામી વર્ષે તેમની સંસ્થા ૩૦મી વર્ષગાંઠની ઉજવણી કરશે. ચાઈલ્ડકેર બિઝનેસના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• રામસિંહ પ્રતિભાઃ વર્ક એન્ડ પેન્શન્સ વિભાગના વર્ક સર્વિસીસ ડિરેક્ટોરેટના ડિસ્ટ્રિક્ટ ઓપરેશન્સ મેનેજર. લંડનમાં જોબસીકર્સ અને એમ્પ્લોયર્સ વચ્ચે સેતુ બનવાની સેવા બદલ સન્માનિત.
• ગુરુમુખસિંહઃ શીખ સિદ્ધાંતો પર આધારિત આંતરરાષ્ટ્રીય બિનનફાકારી સહાય અને રાહત સંસ્થા ખાલસા એઈડના પેટ્રન, સામુદાયિક સંવાદિતા અને સખાવતના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• પ્રોફેસર મીના ઉપાધ્યાયઃ કાર્ડિફ યુનિવર્સિટીમાં મેડિકલ જીનેટિક્સના પ્રોફેસર. તેમણે વેલ્સમાં મહિલાઓના સશક્તિકરણ માટે વેલ્સ એશિયન વિમેન એચિવમેન્ટ એવોર્ડ્ઝની પણ સ્થાપના કરવા ઉપરાંત, અનેક જાહેર સંસ્થાઓમાં ભૂમિકા ભજવી છે. મેડિકલ જીનેટિક્સના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન અને વેલ્સ એશિયન કોમ્યુનિટીની સેવા બદલ સન્માનિત.
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)
• ફયાઝ અહમદઃ ઈન્ટરફેઈથ અને પ્રેસ્ટનમાં કોમ્યુનિટી સંવાદિતાના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• ઝલાખા અહમદઃ ઘરેલુ શોષણ અને હિંસાનો સામનો કરતી એશિયન, મુસ્લિમ અને બ્લેક મહિલાઓ માટે સપોર્ટ સેવાઓ આપતી સંસ્થા અપના હકના ચીફ એક્ઝીક્યુટિવ. સાઉથ યોર્કશાયરના રોધરહામમાં સામુદાયિક સંવાદિતા અને મહિલા અધિકારોના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• નસીર અવાન (અહમદ જમાલ): અવાન માર્કેટિંગ ઈન્ટરનેશનલના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર. મૂળ પાકિસ્તાની અને ૧૯૬૭માં યુકે આવેલા નસીર અવાન વિવિધ યુકે ચેરિટીઝ સાથે સંકળાયેલા છે. બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• આફતાબ અહમદ ચુઘતાઈઃ બર્મિંગહામમાં શ્રેષ્ઠ કોમ્યુનિટી સંબંધો ધરાવતા ચુગતાઈ બિઝનેસ અને કોમ્યુનિટીના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• આયેશા હઝારિકાઃ લેબર પાર્ટીના પૂર્વ ડેપ્યુટી લીડર હેરિયટ હરમાનના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ. રાજકીય સેવાના ક્ષેત્રે પ્રદાન બદલ સન્માનિત.
• ગુરમીત કાલ્સી સિંહઃ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે બિલ્ડિંગ સર્વીસીસ એન્જિનીઅર. પાર્લામેન્ટરી સેવા તેમજ સરેમાં શીખ કોમ્યુનિટીને સ્વૈચ્છિક સેવા બદલ સન્માનિત.
• રેખા મેહરઃ લંડન બેકિંગ બુટિક પિશ્ટાચિઓ રોઝના સ્થાપક અને માસચેલેન્જ ખાતે ડિરેક્ટર. એન્ટ્રેપ્રીન્યોરશિપ અને એન્ટરપ્રાઈઝના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.
• ડો. જયશ્રી મહેતાઃ ભારત હિન્દુ સમાજ અને હિન્દુ ટેમ્પલના પ્રમુખ, સંગમ ઈન્ડિયન વિમેન્સ એસોસિયેશનના અધ્યક્ષા, કોમ્યુનિટીની સેવા અને પીટરબરો, કેમ્બ્રિજશાયર સાથે તેની સંવાદિતા સાધવા બદલ સન્માનિત
• સરવાનામુટ્ટુ મીલ્વાગાનમઃ બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કીલ્સ વિભાગમાં સ્ટ્રેટેજિક યુનિટ નેટવર્ક મેનેજર, યુકે અને શ્રી લંકામાં તામિલ સમુદાયને જાહેર સેવા બદલ સન્માનિત
• સતપાલસિંહ નાહલઃ HM રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગમાં બ્રેડફર્ડ ગ્રૂપના ઓફિસર, કરદાતાઓ અને જાહેર વહીવટની સેવા બદલ સન્માનિત
• યાસ્મિન મોહમ્મદ ફારુક નાથાનીઃ શમા વિમેન્સ સેન્ટરના ડિરેક્ટર/અધ્યક્ષ, લેસ્ટરમાં મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સેવા બદલ સન્માનિત, સ્થાનિક મહિલાઓને સશક્ત બનાવવા ૧૯૮૫માં આ સેન્ટરની સ્થાપના કરાઈ હતી.
• આશા ઓડેદરાઃ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના સ્ત્રીઓ અને બાળાઓ વિરુદ્ધ હિંસા સંબંધિત ઓપરેશન્સ ડિરેક્ટોરેટમાં સ્ટ્રેટેજી મેનેજર, કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રે સેવા બદલ સન્માનિત
• કર્નૈલસિંહ પન્નુઃ વિન્ડસર અને મેઈડનહેડ, બર્કશાયરમાં કોમ્યુનિટીની સેવા બદલ સન્માનિત
• જાઝ રાબડીઆઃ એનર્જી એન્ડ ઈનિશિયેટિવ્ઝ ખાતે સીનિયર મેનેજર, સ્ટારબક્સ અને સ્ટેમ એમ્બેસેડર, ઊર્જા સંચાલન ક્ષેત્રે સસ્ટેનિબિલિટી તેમજ STEM સેક્ટર્સમાં વૈવિધ્યતાના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત
• આફશીન કબીર રશિદઃ રિપાવરિંગ લંડનના સ્થાપક ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર, લંડનની વંચિત કોમ્યુનિટીઓમાં રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની સેવા બદલ સન્માનિત
• અસાદ રઝાકઃ કોમ્યુનિટી એક્શન ટુ ચેન્જ હેરહિલ્સના નેતા, લીડ્ઝના હેરહિલ્સમાં કોમ્યુનિટી અને યુવા વર્ગની સેવા બદલ સન્માનિત
• અબ્દુલ્લાહ રહેમાનઃ બાલસાલ હીથ ફોરમ ખાતે ચીફ એક્ઝીક્યુટિવ, બર્મિંગહામના બાલસાલ હીથમાં કોમ્યુનિટી સેવા બદલ સન્માનિત
• મુકેશ શર્મા, DL: સીલેક્ટિવ ટ્રાવેલ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર, નોર્ધર્ન આયર્લેન્ડમાં ટ્રાવેલ ટ્રેડને સેવા બદલ સન્માનિત, તેઓ માર્ચ ૨૦૧૫માં બેલફાસ્ટના કાઉન્ટી બરોના ડેપ્યુટી લેફ્ટનન્ટ પદે નિયુક્ત કરાયા હતા.
• ડો. સુરેશચંદ્ર વશિષ્ઠઃ લંડનના રેડબ્રિજ બરોમાં કોમ્યુનિટીની સેવા માટે સન્માનિત
મેડાલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (BEM)
• આતિન અશોક અનડકટઃ લેસ્ટરશાયરમાં એન્ટ્રેપ્રીન્યોશિપના ક્ષેત્રે સેવા માટે સન્માનિત
• સરફરાઝ આલમ મિયાં: નેઉ શિલે લિમિટેડમાં ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર. યુકેના વેપારને સેવા માટે સન્માનિત.
• સાજિદ રશિદઃ સ્ટેફર્ડશાયરના બર્ટન-ઓન-ટ્રેન્ટમાં કોમ્યુનિટીની સેવા અને ચેરિટીઝ માટે ભંડોળ એકત્રીકરણની સેવા બદલ સન્માનિત.
• ગુરદેવસિંહ રાયાતઃ ગ્રીનિચ, લંડનમાં કોમ્યુનિટીની સેવા બદલ સન્માનિત.
• કાઉન્સિલર હબીબ રહેમાનઃ બર્મિંગહામ સિટી કાઉન્સિલના કાઉન્સિલર. બર્મિંગહામમાં બિઝનેસ અને કોમ્યુનિટીના સંબંધોના ક્ષેત્રે સેવા બદલ સન્માનિત.


