સુનાકે ઝેલેન્સ્કીને માતાએ બનાવેલી બરફી પીરસી
લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, તાજેતરમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી બ્રિટનની મુલાકાતે આવ્યા ત્યારે મેં તેમને મારી માતાએ તૈયાર કરેલી બરફી ખવડાવી હતી. એક ટ્વીટમાં સુનાકે જણાવ્યું હતું કે, મેં તાજેતરમાં જ સાઉધમ્પ્ટનની મુલાકાત લીધી હતી જ્યાં મારી માતા ફાર્મસી ચલાવે છે. મારી માતાએ તે સમયે કેટલીક ભારતીય મિઠાઇ તૈયાર કરીને મને આપી હતી. ત્યારબાદ મારી મુલાકાત ઝેલેન્સ્કી સાથે થઇ હતી. અમે વાતો કરતા હતા ત્યારે ઝેલેન્સ્કી ભૂખ્યા થયા હતા તેથી મેં તેમને બરફી પીરસી હતી.
ભારતના સ્ટાર્ટઅપ યુકેના યુનિકોર્ન કિંગડમ પાથફાઇન્ડર એવોર્ડ્સમાં ભાગ લઇ શકશે
લંડનઃ 2023ના પ્રારંભે નાસકોમ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ભારત અમેરિકા અને ચીન બાદ વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો ટેકનોલોજી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયો છે. લંડન ટેક વીકમાં બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોકે ગ્લોબલ ટેક એવોર્ડ્સની જાહેરાત કર્યા બાદ હવે ભારત અને વિશ્વભરના ટેકનોલોજી સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો યુકેના યુનિકોર્ન કિંગડમ પાથફાઇન્ડર એવોર્ડ્સ ફોર 2023માં ભાગ લઇ શકશે. યુકે અમેરિકા અને ચીન બાદ 1 ટ્રિલિયન ડોલરનું ટેકનોલોજી સેક્ટર ધરાવતો દેશ બની ગયો છે. વર્ષ 2022માં યુકેની ટેકનોલોજી કંપનીઓએ 24 બિલિયન પાઉન્ડ જેવું રેકોર્ડ ભંડોળ ઊભું કર્યું હતું. બેડનોકે જણાવ્યું હતું કે, ડીપમાઇન્ડ, ગ્રાફકોર, ડાર્કટ્રેસ જેવી અગ્રણી ગ્લોબલ ટેકનોલોજી કંપનીઓ યુકેમાં છે.
25 વર્ષમાં બે પાઉન્ડનો સિક્કો ઘસાઇને 1.07 પાઉન્ડ થઇ ગયો
લંડનઃ ફુગાવાએ યુકેના ચલણના મૂલ્યને ઘટાડી દીધું છે. છેલ્લા 25 વર્ષમાં બે પાઉન્ડના સિક્કાનું વાસ્તવિક મૂલ્ય આજે ઘટીને 1.07 પાઉન્ડ થઇ ગયો છે. તેનો અર્થ એ થયો કે 25 વર્ષ પહેલાં આ સિક્કા દ્વારા બે પાઉન્ડની વસ્તુ ખરીદી શકાતી હતી જે આજે 1.07 પાઉન્ડની વસ્તુ ખરીદવાની જ ક્ષમતા ધરાવે છે. 1998ના જૂન મહિનામાં પહેલા બાયમેટાલિક બે પાઉન્ડના સિક્કાને ચલણમાં દાખલ કરાયો હતો. તે સમયે તમે આ સિકકાની મદદથી લેગરના બે પિન્ટ અથા તો 20 કેડબરી ફ્રેડો બાર ખરીદી શક્તાં હતાં. આજે તમે એ બે પાઉન્ડના સિક્કા વડે એક બ્રેડ જ ખરીદી શકો છો. આજે કેડબરીના ફક્ત 8 બાર ખરીદી શકાય છે.
કાઉન્સિલ હાઉસિંગમાં બ્રિટિશ નાગરિકોને પ્રાથમિકતા આપવા વિચારણા
લંડનઃ માઇગ્રેશનની સમસ્યા પર ધ્યાન આપવા માટે સરકાર કાઉન્સિલ હાઉસિંગ માટે બ્રિટિશ નાગરિકોને પ્રાથમિકતા આપવા વિચારણા કરી રહી છે. સરકાર વેઇટિંગ લિસ્ટમાં બ્રિટિશ નાગરિકો અને પરમેનેન્ટ રેસિડેન્ટ્સને પ્રાથમિકતા આપવા માટે સરકાર કાયદો લાવવા ચર્ચા કરી રહી છે. દેશમાં હાલ 12 લાખ લોકો સોશિયલ હાઉસિંગ માટે રાહ જોઇ રહ્યાં છે અને મકાન મેળવનારા દર 10માંથી એક યુકેનો નાગરિક નથી. હાલના નિયમો પ્રમાણે બ્રિટનમાં અમર્યાદ રોકાણના વિઝા ધરાવતા લોકો કાઉન્સિલ હાઉસિંગની સુવિધા મેળવી શકે છે. ઇમિગ્રેશન લેવલ રેકોર્ડ સપાટી પર પહોંચ્યું છે ત્યારે સરકાર આ નિયમો અંગે ચિંતિત છે.
મોંઘવારીને કારણે નિવૃત્તો નોકરી કરવા મજબૂર બન્યાં
લંડનઃ વૃદ્ધો માટે કામ કરતી સંસ્થાએ દાવો કર્યો છે કે મોંઘવારીમાં વધારાના કારણે લોકોને તેમના જીવનના આયોજનોમાં બદલાવ કરી કામ પર પરત ફરવાની ફરજ પડી રહી છે. એજ યુકે સંસ્થાએ જણાવ્યું છે કે વૃદ્ધો ફરિયાદ કરી રહ્યાં છે કે મોંઘવારીના કારણે તેમની નિવૃત્તિની અપેક્ષાઓ ધૂળધાણી થઇ રહી છે. મે 2022માં માતાની સારવાર માટે વહેલી નિવૃત્તિ લેનાર એક વ્યક્તિ કહે છે કે પેન્શન પુરું પડી રહ્યું નથી તેથી મને પાર્ટ ટાઇમ નોકરી કરવાની ફરજ પડી છે. એક મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિની કાળજી લેવાની હોવા છતાં જરૂરિયાતોને પહોંચી વળવા મારે પાર્ટ ટાઇમ નોકરી કરવી પડે છે.


