ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ કિંગ ચાર્લ્સને કોહિનૂર હીરો પરત કરવા સલાહ આપી

મમદાનીના બ્રિટન પ્રવેશ પર પ્રતિબંધ લાદવા ઝિયા યુસુફની ધમકી

Tuesday 05th May 2026 11:10 EDT
 
 

લંડનઃ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ ગયા બુધવારે બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સને 'કોહિનૂર' હીરો ભારતને પરત કરવાની સલાહ આપી હતી. બ્રિટિશ શાસકની વર્તમાન અમેરિકા મુલાકાત દરમિયાન મમદાનીએ આ નિવેદન આપ્યું હતું.

ભારતીય મૂળના અમેરિકન મેયર ઝોહરાન મમદાનીએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલાના પીડિતોની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમ પૂર્વે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જો મારે રાજા સાથે વ્યક્તિગત રીતે વાત કરવાની તક મળે, તો હું તેમને કોહિનૂર હીરો ભારતને પરત કરવા માટે ચોક્કસપણે પ્રોત્સાહિત કરીશ.

કાર્યક્રમ દરમિયાન કિંગ ચાર્લ્સ અને મામદાની વચ્ચે ટૂંકી વાતચીત પણ થઈ હતી, જોકે તેમણે રૂબરૂમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે નહીં તે અંગે મેયરની ઓફિસે કોઈ સ્પષ્ટતા કરી નથી. બકિંગહામ પેલેસે પણ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

વર્ષ 1849માં પંજાબ પર કબજો મેળવ્યા બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તત્કાલીન શાસક પાસેથી આ હીરો છીનવી લીધો હતો. ત્યારબાદ 1850માં ગવર્નર જનરલ દ્વારા તે રાણી વિક્ટોરિયાને ભેટમાં આપવામાં આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા અગાઉ અનેકવાર બ્રિટન સમક્ષ 105 કેરેટનો આ હીરો પરત કરવાની માંગણી કરવામાં આવી છે. ઐતિહાસિક વિગતો મુજબ, કોહિનૂર હીરો વિવિધ સમયગાળે ભારતના મુઘલ સમ્રાટો, ઈરાનના શાહ, અફઘાનિસ્તાનના અમીરો અને શીખ મહારાજાઓના સ્વામિત્વમાં રહ્યો હતો.

 મમદાનીના બ્રિટન પ્રવેશ પર પ્રતિબંધ લાદવા ઝિયા યુસુફની ધમકી

રિફોર્મ યુકેના વરિષ્ઠ નેતા ઝિયા યુસુફે ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીને બ્રિટનમાં પ્રવેશતા રોકવાની ચીમકી ઉચ્ચારી છે. મમદાનીએ તાજેતરમાં કોહિનૂર હીરો ભારતને પરત કરવાની હિમાયત કરી હતી, જેના પગલે આ વિવાદ વકર્યો છે. ઝિયા યુસુફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મમદાની પર બ્રિટિશ રાજશાહીનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, મમદાનીની બ્રિટનમાં દાળ નહીં ગળે. જો તેઓ રાજા પ્રત્યેના આ અપમાનજનક શબ્દો પાછા નહીં ખેંચે તો ગૃહ સચિવ તરીકે હું તેમના બ્રિટનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દઈશ.યુસુફે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ૧૦૫ કેરેટનો આ હીરો લંડનમાં જ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter