પગારવધારાની માગ સાથે હજારો વર્કર્સ અને શિક્ષકોની વિરોધકૂચ

Wednesday 22nd June 2022 02:45 EDT
 
 

લંડનઃ સરકાર જીવનનિર્વાહ કટોકટી સામે પગલાં લે તેમજ સારા વેતન અને કામની સારી કંડિશન્સની માગણી સાથે હજારો વર્કર્સ તેમજ શિક્ષકો અને NHS સ્ટાફે લંડનની શેરીઓમાં થઈ પાર્લામેન્ટ તરફ કૂચ આદરી હતી. ટ્રે્ડ્સ યુનિયન કોંગ્રેસ (TUC) દ્વારા શનિવાર 18 જૂને આયોજિત વિરોધકૂચમાં પબ્લિક સેક્ટરના કામદારો માટે સારા વેતન અને 15 પાઉન્ડના લઘુતમ વેતનની માગણી મૂકાઈ હતી. શિક્ષકોના યુનિયન NASUWTના સભ્યો પણ વગારવધારા અને કાર્યબોજમાંમ ઘટાડાની માગણી સાથે કૂચમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે રેલવે યુનિયનોએ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એટલે કે 21, 23 અને 25 જૂને હડતાળની જાહેરાત કરેલી છે.

‘વી ડિમાન્ડ બેટર’ વિરોધના ભાગરૂપે દેખાવકારોએ પોર્ટલેન્ડ પ્લેસથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધી કૂચ આરંભી હતી. TUCએ જણાવ્યું હતું કે તેમના અભ્યાસ મુજબ પગાર ફૂગાવાને સુસંગત ન રહેવાથી વર્કર્સે 2008થી લગભગ 20,000 પાઉન્ડ ગુમાવ્યા છે. યુનિયનના જનરલ સેક્રેટરી ફ્રાન્સેસ ઓ‘ગ્રાડીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે 10 વર્ષના સ્થગિત પગાર પછી કામ કરતા સામાન્ય લોકો કહે છે કે ‘બસ, હવે બહુ થયું’.

શિક્ષકો અને NHS સ્ટાફની હડતાળની ધમકી

એક તરફ, રેલવે સર્વિસની હડતાળની અરાજકતાની ચિંતા છે ત્યારે હજારો શિક્ષકો અને NHS સ્ટાફે પગારવધારો નહિ અપાય તો હડતાળની ધમકી આપી છે. શિક્ષકો અને NHS સ્ટાફ પણ TUC દ્વારા આયોજિત વિરોધકૂચમાં સામેલ થયા હતા. શિક્ષકોના સૌથી મોટા યુનિયન નેશનલ એજ્યુકેશન યુનિયન (NEU)એ સ્પષ્ટ કર્યું છે કે ફૂગાવાને સુસંગત વેતનવધારાની ઓફર નહિ કરાય તો તેના 450,000 સભ્યો હડતાળ મુદ્દે મતદાન કરશે. યુનિયને જણાવ્યું છે કે ગત 12 વર્ષમાં શિક્ષકોના વેતનના મૂલ્યમાં 19 ટકાનો ઘટાડો થયો છે. ભારે સંઘર્ષના કારણે શિક્ષકો વ્યવસાય છોડી રહ્યા છે.

દરમિયાન, સીનિયર નર્સીસ સુધીના લાખો NHS વર્કર્સનું પ્રતિનિધિત્વ કરતા દેશના સૌથી મોટા યુનિયનUnisonના જણાવ્યા અનુસાર હોસ્પિટલોમાં સ્ટાફના માથે ભારે કાર્યબોજ છે ત્યારે સરકાર ફૂગાવાને બંધબેસતા વેતનના ડીલની ઓફર નહિ કરે તો કર્મચારીઓ સામૂહિક હિજરત કરશે તેની સાથે ઔદ્યોગિક હડતાળ પણ થઈ શકે છે.

ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિર્વાહ કટોકટી સામે બોજો હળવો કરવા પગલાં લેવાયાં છે. સરકાર સૌથી ગરીબ 8 મિલિયન બ્રિટિશ પરિવારોને આ વર્ષે ઓછામાં ઓછાં 1200 પાઉન્ડની મદદ કરી રહી છે અને દરેક પરિવારને તેમના એનર્જી બિલ્સની ચૂકવણીમાં મદદ માટે 400 પાઉન્ડ આપી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter