જજ હોલિંગવર્થે હેરાનગતિનો શિકાર બનેલી યુવતીને કોર્ટમાં હાજર કરવા વકીલોને જણાવ્યું હતું જેથી તેના પૂર્વ બોયફ્રેન્ડને સજા સંભળાવી શકાય. આ સમયે પ્રોસિક્યૂટર રાચેલ પાર્કરે ટૂંકી નોટિસે દીપા પટેલ કોર્ટમાં હાજર થવા અંગે અનિશ્ચિતતા દર્શાવી હતી. ડિસ્ટ્રિક્ટ જજે આ કોઈ સમસ્યા ન હોવાનું કહી જણાવ્યું હતું કે તે પટેલ હોવાથી અને વંશીય પશ્ચાદભૂના કારણે કોઈ મહત્ત્વની જગ્યાએ કામ કરતી નહિ હોય, જ્યાંથી તેને રજા મળી ન શકે. તે કોઈ કોર્નર શોપમાં જ કામ કરતી હોઈ શકે છે. આવી ટીપ્પણીના પગલે પ્રોસિક્યૂટર મિસ પાર્કરે પ્રેસ્ટન મેજિસ્ટ્રેટ્સ કોર્ટના કેસમાંથી પોતાનું નામ ખેંચી લેતાં જજને જણાવ્યું હતું કે હું વ્યાવસાયિક ક્ષોભ અનુભવું છે અને આ કેસમાં પ્રોસિક્યૂટ કરી નહિ શકું.
પ્રેસ્ટનની ૨૨ વર્ષીય યુવતી દીપા પટેલ કાયદાની ડીગ્રી મેળવ્યાં પછી એક ઓફિસમાં કામગીરી બજાવે છે. તેમણે કહ્યું હતું કે હું આ દેશમાં જન્મી અને ઉછરી છું. કોઈ પણ અને ખાસ કરીને જજ દ્વારા આવી ટીપ્પણી અયોગ્ય છે. તેઓ કાનૂની નિર્ણયો લે છે, લોકોની સ્વતંત્રતાનો નિર્ણય કરે છે અને આવી ટીપ્પણી કરે તે હાસ્યાસ્પદ છે. જજ હોલિંગવર્થ ઈમિગ્રેશન જજના હોદ્દા પર ચાલુ રહે તે પણ યોગ્ય નથી. તેમણે ત્યાંથી પણ રાજીનામું આપવું જોઈએ.
જોકે, જજ હોલિંગવર્થ એસાઈલમ એન્ડ ઈમિગ્રેશન ચેમ્બરના ઉચ્ચ ઈમિગ્રેશન જજના હોદ્દા પર ચાલુ રહેશે પરંતુ તેમની સામે કથિત રંગભેદી ટીપ્પણી અંગે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કેસની સુનાવણી કરી શકશે નહિ. તેઓ વાર્ષિક £૧૨૦,૦૦૦ના વેતનની ડિસ્ટ્રિક્ટ જજની નોકરી ગુમાવી શકે છે.