લંડનઃ છેલ્લા એક વર્ષમાં યુકેમાં પડતર અસાયલમ અપીલની સંખ્યા લગભગ બમણી થઇને રેકોર્ડ હાઇ સપાટી પર પહોંચી છે. જસ્ટિસ મિનિસ્ટર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2025ના અંતે 80,333 અપીલની સુનાવણી પડતર હતી. સુનાવણી માટેનો સરેરાશ વેઇટિંગ ટાઇમ 63 સપ્તાહ રહ્યો હતો જેની સરખામણીમાં વર્ષ 2024ના અંતે 41,987 અપીલની સુનાવણી પડતર હતી અને સરેરાશ વેઇટિંગ ટાઇમ 48 સપ્તાહ રહ્યો હતો.
જોકે સરકારનો દાવો છે કે હોમ સેક્રેટરી શબાના માહમૂદ અસાયલમ સિસ્ટમને સક્રિય કરી રહ્યાં છે. સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્યાશ્રયના પ્રથમ નિર્ણય માટે રાહ જોઇ રહેલા અરજકર્તાઓની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. સરકાર માનવ અધિકાર કાયદાઓમાં સુધારા અને ભાંગી પડેલી અપીલ સિસ્ટમમાં બદલાવ કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, સરકારના વિવિધ પગલાંને કારણે અપીલના સમયમાં ઘટાડો થશે, માઇગ્રન્ટ્સને ઝડપથી અસાયલમ હોટેલોમાંથી ખસેડી શકાશે અને જેમને યુકેમાં રહેવાનો અધિકાર નથી તેવા માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરાશે. ડિસેમ્બર 2025ના અંતે 30,657 રાજ્યાશ્રયવાંચ્છુ અસાયલમ હોટેલોમાં હતાં.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પડતર અપીલોમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે જોતાં સરકાર અસાયલમ હોટેલોનો ઉપયોગ બંધ કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવાની સ્થિતિમાં જણાતી નથી.
2025માં રેકોર્ડ 2,91,971 ઇમિગ્રન્ટ્સે બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી
સ્ટાર્મર સરકારના શાસનકાળમાં રેકોર્ડ સંખ્યામાં ઇમિગ્રન્ટ્સે બ્રિટિશ નાગરિકતા મેળવવા અરજી કરી છે. 2025માં 2,91,971 ઇમિગ્રન્ટ્સે હોમ ઓફિસમાં અરજી કરી હતી. 2024માં આ આંકડો 2,53,757 હતો. બ્રિટિશ નાગરિકતા માટે યુકેમાં પાંચ વર્ષનો વસવાટ અથવા તો માતા-પિતા બ્રિટિશ નાગરિક હોવા જરૂરી છે.


