પડતા પર પાટુ, 1 મેથી એનએચએસ પ્રિસ્ક્રિપ્શનમાં ભાવવધારો ઝીંકાયો

પ્રિસ્ક્રિપ્શન માટે 9.90 પાઉન્ડ અને પીપીસી માટે 32.05 પાઉન્ડ ચૂકવવા પડશે

Tuesday 09th April 2024 11:50 EDT
 

લંડનઃ મોંઘવારીમાં પડતા પર પાટુ સમાન આગામી મહિનાથી એનએચએસના પ્રિસ્ક્રિપ્શન રેટમાં વધારો અમલી બનશે. 1 મે 2024થી ફક્ત પ્રિસ્ક્રિપ્શનની જ નહીં પરંતુ એનએચએસ ખાતે સર્જિકલ બ્રા સહિતની ફેબ્રિક સહાય પણ મોંઘી બનવા જઇ રહી છે. પ્રિસ્ક્રિપ્શન અને પ્રિસ્ક્રિપ્શન પ્રિપેમેન્ટ સર્ટિના ચાર્જમાં 2.59 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે.

1 મે 2024થી હવે દરેક દવા અથવા એપ્લાયન્સ માટે 25 પેન્સના વધારા સાથે 9.90 પાઉન્ડ ચૂકવવા પડશે. 3 મહિનાના પીપીસી માટે 32.05 પાઉન્ડ અને 12 મહિનાના પીપીસી માટે 114.50 પાઉન્ડ ચૂકવવા પડશે. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (એચઆરટી) પીપીસી માટે 50 પેન્સ વધુ એટલે કે 19.80 પાઉન્ડ ચૂકવવા પડશે.

હેલ્થ એન્ડ સોશિયલ કેર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડમાં દર 10માંથી 9 આઇટમ વિના મૂલ્યે આપવામાં આવે છે અને જેમને પ્રિસ્ક્રિપ્શનની જરૂર છે તેમને પરવડી શકે તે સુનિશ્ચિત કરવા અમે વિવિધ પ્રકારની સહાય આપીએ છીએ. ઓછી આવક ધરાવનાર, કેન્સર, ઇપિલેપ્સી અને ડાયાબિટિસ જેવી બીમારીથી પીડાતા 60 વર્ષથી વધુ વયના દર્દીઓ, બાળકો અને ગર્ભવતી મહિલાઓને આ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોમ્યુનિટી ફાર્મસી ઇંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ જેનેટ મોરિસને જણાવ્યું હતું કે, મોંઘવારીના કારણે જનતાને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની રહ્યાં છે ત્યારે આ વધારો અસહ્ય બની રહેશે. ઘણા દર્દીઓ માટે આ માઠા સમાચાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter