પડતા પર પાટું, મોર્ગેજ બિલમાં તોતિંગ વધારો થશે

વ્યાજદરમાં 30 વર્ષનો સૌથી મોટો વધારો, 75 બેઝિસ પોઇન્ટના વધારા સાથે બેઝ રેટ 3 ટકા

Wednesday 09th November 2022 04:37 EST
 
 

લંડન

બેન્ક ઓફ ઇઁગ્લેન્ડે વ્યાજદરમાં છેલ્લા 30 વર્ષનો સૌથી મોટો વધારો કરતાં મોર્ગેજ પર મકાન ખરીદનારા મકાન માલિકોની મુશ્કેલીઓ ગંભીર બની છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, એનર્જી બિલમાં વધારાનો માર વેઠી રહેલા બ્રિટનવાસીઓ માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડનો આ નિર્ણય પડતા પર પાટુ સમાન પૂરવાર થશે.

3 નવેમ્બરના ગુરુવારે બેન્ક ઓફ ઇઁગ્લેન્ડે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટનો વધારો કરતાં હવે વ્યાજદર 3 ટકા પર પહોંચી ગયો છે. મોનેટરી પોલિસી કમિટીએ 7 વિરુદ્ધ બે મતથી વ્યાજદરના વધારાને મંજૂરી આપી હતી. આ સાથે 2008ની મહામંદી પછી પહેલીવાર વ્યાજદર રેકોર્ડ સપાટી પર પહોંચ્યો છે. એક દિવસ પહેલાં યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો જાહેર કર્યો હતો. છેલ્લા એક વર્ષમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા બેઝ રેટમાં આઠમી વાર વધારો કરાયો છે.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ ફુગાવા પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહી છે પરંતુ આ વ્યાજદરના વધારાના કારણે 15 લાખ કરતાં વધુ પરિવારોના મોર્ગેજ બિલમાં તોતિંગ વધારો થશે. બે લાખ પાઉન્ડનું સ્ટાન્ડર્ડ વેરિએબલ મોર્ગેજ લેનારા પરિવારોના મોર્ગેજ બિલમાં પ્રતિ વર્ષ 1000 પાઉન્ડનો વધારો નિશ્ચિત બન્યો છે.

મોર્ગેજની રકમ – હાલનો માસિક હપ્તો – વધારા પછીનો હપ્તો – વાર્ષિક વધારો

1,00,000 – 533 – 576 – 517

2,00,000 – 1066 – 1153 – 1034

3,00,000 – 1600 – 1729 – 1552

4,00,000 – 2133 – 2306 – 2069

5,00,000 – 2667 – 2882 – 2586

(તમામ રકમ પાઉન્ડમાં)

બ્રિટનમાં 2022થી શરૂ થયેલી મંદી 2024 સુધી જારી રહેશે

બ્રિટનમાં પહેલા વિશ્વ યુદ્ધ પછીની આ સૌથી લાંબી મંદી છે. 1920ના દાયકા પછી પહેલીવાર 2022ના ત્રીજા ત્રિમાસિકથી શરૂ થયેલી મંદી 2024ના મધ્ય ભાગ સુધી જારી રહે તેવું અનુમાન બેન્ક ઓફ ઇંગ્લેન્ડે આપ્યું છે. જો કે આ મંદીની અસર 2008ની મહામંદી જેટલી વ્યાપક નહીં રહે. મંદીના કારણે બ્રિટનની ઇકોનોમીમાં 2.9 ટકાનો ઘટાડો નોંધાઇ શકે છે.

બેરોજગારીમાં બમણો વધારો થવાની સંભાવના

બેન્ક ઓફ ઇંગ્લેન્ડના અનુમાન અનુસાર આગામી સમયમાં બેરોજગારીમાં બમણો વધારો થવાની સંભાવના છે. હાલ બ્રિટનમાં બેરોજગારીનો દર 3.5 ટકા છે જે આગામી સમયગાળામાં વધીને 6.5 ટકા પર પહોંચી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter