લંડનઃ આપણે જે વિષયની વાત કરીશું તેને લીધે ઘરમાં વાસણો ચોક્કસ ઉછળશે, પરંતુ સ્થાપિત સિદ્ધાંત એવો છે કે પતિ-પત્નીમાંથી જેની કમાણી વધારે હોય, ઘરમાં તેની સત્તા ચાલે. પતિ-પત્નીના પગાર વચ્ચેનો તફાવત ઓછો હોય તેમ ઘરેલુ મોરચે કામકાજની વહેંચણીમાં રકઝકની મહિલાની તાકાત વધી જાય છે. કમાણીના પરિણામે ઘરમાં સ્ત્રીની તાકાતમાં પણ વધારો થયો છે. એક અભ્યાસ મુજબ પુરુષ-મહિલા વચ્ચે પગારનો તફાવત ૧૦ ટકા ઘટે તો મહિલાઓ સવેતન રોજગારી પાછળ કદાચ ચાર ટકા વધુ સમય ગાળે, પરંતુ ઘરકામ પાછળ ૧૪ ટકા ઓછો સમય આપશે.
‘ઈન્ટ્રા-ફેમિલી બાર્ગેઈન પાવર’ વિશે યુનિવર્સિટી કોલેજ લંડનના માઈક્રો-ઈકોનોમિસ્ટ એલેક્ઝાન્ડ્રોસ થીલૌડિસના નેતૃત્વ હેઠળના અભ્યાસમાં જણાયું હતું કે ગત ૩૦ વર્ષમાં મહિલાઓની સરેરાશ આવક વધવા સાથે તેમણે ઘરકામ ઓછું કરી દીધું છે. બીજી બાજુ, પુરુષો વધુ ઘરકામ કરતાં થયા છે. વર્તમાન યુગના પુરુષો બ્રેડવિનર તરીકે ઘટતાં પ્રભાવને સરભર કરવા અગાઉની પેઢીના પુરુષોની સરખામણીએ ઘર પ્રત્યે વધુ ધ્યાન આપે છે.
આ સંશોધનપત્ર રોયલ ઈકોનોમિક સોસાયટીને સુપરત કરાયો હતો, જે આર્થિક અને સામાજિક ફેરફારોની સમીક્ષા માટે પરિવારોની જીવનશૈલીને વર્ણવતા દીર્ઘકાલીન અમેરિકી સંશોધન પ્રોજેક્ટના તારણો પર આધારિત છે. તેમાં ૧૯૮૦થી ૨૦૦૯ વચ્ચે પરણેલા યુગલો સંબંધિત આંકડાનો ઉપયોગ કરાયો છે.


