પતિની હત્યાના આરોપનો સામનો કરતી બ્રિટિશ વૃદ્ધાને મુક્ત કરવા પાક. હાઇકોર્ટનો આદેશ

યાસ્મિન કૌસર પર 65 વર્ષીય પતિની હત્યા કરાવવાનો આરોપ મૂકાયો હતો

Wednesday 27th July 2022 06:26 EDT
 
 

લંડન

પાકિસ્તાનમાં પોતાના પતિની હત્યા કરાવવાના આરોપનો સામનો કરી રહેલી બ્રિટિશ મહિલાને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ અપાયો છે. જજે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, આ મહિલાને તેના પતિની સંપત્તિમાં હક મેળવતી અટકાવવા આ કેસમાં જાણી જોઇને ફસાવી દેવાઇ હતી. હાઇકોર્ટના જજ મુહમ્મદ તારિક નદીમે જણાવ્યું હતું કે, 62 વર્ષીય યાસ્મિન કૌસરે તેના 65 વર્ષીય પતિ મોહમ્મદ ફારૂકની હત્યા કરાવવા માટે એક ભાડુતી હત્યારાની મદદ લીધી હોવાના આરોપો પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલા છે. પાકિસ્તાનના અમીર બિઝનેસમેનની હત્યામાં યાસ્મિન કૌસરની સંડોવણીના કોઇ પુરાવા સામે આવ્યા નથી. 1 એપ્રિલે મોહમ્મદ ફારૂકની લાશ એક કચરાપેટી નજીક તેમની કારમાંથી મળી આવી હતી. ત્યારબાદ યાસ્મિન કૌસરની ધરપકડ કરી જેલમાં મોકલી અપાઇ હતી. જો તેના પર હત્યાનો આરોપ સાબિત થાત તો તેને ફાંસીની સજા થઇ શક્તી હતી.

સરકારી વકીલોએ આરોપ મૂક્યો હતો કે નજરે જોનારા બે સાક્ષીઓએ યાસ્મિન અને તેના સહ આરોપી મુહમ્મદ ઇદરિશને ફારૂકની કારમાં જોયાં હતાં. અબ્દુલ વહીદ નામનો બીજો એક આરોપી અન્ય કારમા તેમનો પીછો કરી રહ્યો હતો. બીજા દિવસે ફારૂકની લાશ અને બળેલી કાર મળી આવ્યાં હતાં. યાસ્મિન કૌસરે તેના પર મૂકાયેલા આરોપો ધરાર નકારી કાઢ્યા હતા. તેનો પરિવાર પણ શરૂઆતથી જ યાસ્મિન નિર્દોષ હોવાના દાવા કરી રહ્યો હતો. આ પહેલાં રાવલપિંડીની કોર્ટે યાસ્મિનની જામીન અરજી નકારી કાઢી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, નીચલી અદાલતે યાસ્મિનના જામીન મંજૂર કરવાની જરૂર હતી. યાસ્મિનને ધરપકડ કરાઇ ત્યારથી જેલમાં રખાઇ છે. તપાસ પૂરી થઇ ચૂકી હોવાથી હવે તેની વધુ પૂછપરછની કોઇ જરૂર નથી. કોઇને અચોક્કસ મુદત માટે જેલમાં ગોંધી રાખી શકાય નહીં.

જેલમાંથી મુક્ત થયા બાદ યાસ્મિને જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો હતો અને તેના પર હત્યાનો અપરાધ કબૂલી લેવા દબાણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter