લંડનઃ કેન્સરથી મોત થયું તે પહેલાં પોતાના પર થતા અત્યાચારોનું ઓડિયો રેકોર્ડિંગ કરનાર પત્ની પર બળાત્કાર ગુજારવાના આરોપસર ઇલિંગના 46 વર્ષીય રવિ યાદવને 9 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. તેની પત્ની ગુરવિન્દર કૌરનું ફેબ્રુઆરી 2022માં કેન્સરના કારણે 48 વર્ષની વયે નિધન થયું હતું. ગુરવિન્દર કૌરનું નિધન થયું હોવા છતાં આરોપોની તપાસ કરવા સાઉથહોલ બ્લેક સિસ્ટર્સ દ્વારા પોલીસ પર દબાણ કરાયું હતું. સંસ્થાના જણાવ્યા અનુસાર યુકેમાં આ પ્રકારનો પ્રથમ ચુકાદો છે. સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પીડિતના મોત પછી પણ ન્યાય મેળવી શકાય છે.
મૃત્યુ પહેલાં ગુરવિન્દરે સંસ્થાને જણાવ્યું હતું કે, હું 19 વર્ષની હતી ત્યારે યાદવ સાથે મારા લગ્ન થયાં ત્યારથી હું સતત ઘરેલુ હિંસાનો સામનો કરતી આવી છું. હું જ્યારે યાદવની કોઇ વાત માનવાનો ઇનકાર કરતી ત્યારે તે મને આત્મહત્યાની ધમકી આપતો હતો. દહેજની માગ સાથે મારા પર અત્યાચાર ગુજારતો હતો. આ સિલસિલો અમે ભારતમાં રહેતા હતા ત્યારથી ચાલી રહ્યો હતો.