લંડનઃ છ ઓક્ટોબરની વહેલી સવારે વેસ્ટ લંડનના બ્રેન્ટફર્ડમાં ચોથા માળે આવેલા એક ફ્લેટનો દરવાજો તોડીને પોલીસે પ્રવેશ કરતા તેને માતા પૂર્ણા કામેશ્વરી શિવરાજ (૩૬) અને પુત્ર કૈલાશ કુહા રાજ (૩)ના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, પોલીસ ફ્લેટમાં પ્રવેશી તે વખતે પૂર્ણાના ૪૨ વર્ષીય પતિ કુહા રાજ સીતામ્પરાનાથને છૂરો ભોંકીને જાતે ઈજા પહોંચાડીને આપઘાત કર્યો હતો. તે બે અઠવાડિયાથી આ બન્નેના મૃતદેહો સાથે રહ્યો હતો. પેરામેડિક્સે તેની સારવાર કરી હતી. જોકે, તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું. તેમના બ્લેક કોકાપુ પાલતુ શ્વાનને પણ મારી નંખાયો હતો. આ તમામ મૃત્યુના સંદર્ભમાં ડિટેક્ટિવોએ કોઈની તપાસ હાથ ધરી ન હતી.
આ બન્ને મલેશિયામાં જન્મેલા તમિળ હતા અને ૨૦૧૫માં તેમના લગ્ન કુઆલાલુમ્પુરમાં થયાં હતા. પડોશીઓએ જણાવ્યું હતું કે બન્ને વચ્ચે વારંવાર ઉગ્ર દલીલો થતી હતી. ખાસ કરીને લોકડાઉન દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી હતી. માતા-પુત્રની હત્યા બે અઠવાડિયા પહેલા થયાનું મનાય છે કારણકે ૨૧ સપ્ટેમ્બર પછી કોઈએ તેમને જોયા ન હતા.
સ્કોટલેન્ડ યાર્ડના ઓફિસરોને ૪થીએ રાત્રે શ્રીમતી શિવરાજના પરિવારના સભ્યનો ફોન આવ્યો હતો અને તેમના હેમખેમ હોવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેથી પોલીસ કેટલીક વખત ફ્લેટ પર ગઈ હતી. પરંતુ, કોઈ જવાબ મળ્યો ન હતો. ૫મી ઓક્ટોબરે પડોશીઓ સાથે વાતચીત કર્યા પછી પોલીસને તેમની ચિંતા થવાથી ૬ઠ્ઠીએ ફ્લેટનો દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાની તેમના નિકટના સગાંસંબંધીને જાણ કરવા સાથે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે.