લંડનઃ પતિની આજ્ઞા ન માનવા પર પત્નીની મારઝૂડ કરવાની વિડિયો શ્રેણી રજૂ કર્યા બાદ લંડન સ્થિત એક મસ્જિદ સામે ચેરિટી કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નેશનલ સેક્યુલર સોસાયટી દ્વારા હેકની ઈસ્લામિક કોમ્યુનિટી સેન્ટર નામની ધાર્મિક સંસ્થા વિરુદ્ધ નિયામક સંસ્થાને રજૂઆત કરવામાં આવી છે. સોસાયટીનું કહેવું છે કે મસ્જિદ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આ પ્રવચનો મહિલા વિરોધી માનસિકતા, સમલૈંગિકતા પ્રત્યેનો દ્વેષ અને અંધશ્રદ્ધા તેમજ શોષણને પ્રોત્સાહન આપી શકે તેમ છે.
આ તમામ વિડિયો વર્ષ 2023માં સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હતા. તે સમયે આ સંસ્થા મસ્જિદ ઇમામ અન-નવાવી તરીકે ઓળખાતી હતી. કમિશનને ફરિયાદ કર્યા બાદ આ વિડિયો ડિલિટ કરવામાં આવ્યા છે. એક વિડિયોમાં વક્તાએ જણાવ્યું હતું કે પતિની આજ્ઞાનું પાલન ન કરવું તે મહિલાઓ માટે ગંભીર ગુનો છે અને વર્ચસ્વ સાબિત કરવા પતિ તેમને શારીરિક શિક્ષા કરી શકે છે. આ સિવાય, બીજા એક વિડિયોમાં તેમણે શરિયા કાયદા હેઠળ ચોક્કસ કૃત્યો માટે મિલકત જપ્તી કે મૃત્યુદંડ જેવી સખત જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચેરિટી કમિશને આ અંગેની ફરિયાદ મળી હોવાની પુષ્ટિ કરી છે અને મામલાની સમીક્ષા કરી રહ્યું છે.


