પત્નીને ડાઈવોર્સ આપી સાસુમા સાથે લગ્ન!

સાસુ-સસરા સાથે લગ્ન ન કરી શકાય તેવો પુરાણો કાયદો બદલાવા માટે કારણભૂત બન્યા

Wednesday 23rd September 2020 01:57 EDT
 
 

લંડનઃ ગુજરાતીમાં કહેવત છે કે ‘પ્રેમ ના જુએ જાત- કજાત’ અને ચેશાયરના વોરિંગ્ટનના ૬૫ વર્ષના ક્લાઈવ બ્લન્ડેન અને ૭૭ વર્ષના બ્રેન્ડાએ આ કહેવતને સાચી પુરવાર કરી છે. પતિ-પત્નીની વયમાં તફાવત સામાન્ય બની ગયો છે પરંતુ, ક્લાઈવના લગ્નમાં વિશેષતા એ છે કે તેણે પત્ની ઈરીન સાથે આઠ વર્ષના લગ્નજીવનનો અંત આણી સાસુમા બ્રેન્ડા સાથે લગ્ન કરી લીધા હતા. બીજી મહત્ત્વની વાત એ રહી છે કે આ લગ્નના કારણે યુકે સરકારને ૫૦૦ વર્ષ જૂનો લગ્નવિષયક કાયદો બદલવાની ફરજ પડી હતી.જોકે, પારિવારિક મૂલ્યોના રખેવાળોએ યુરેપિયન કોર્ટના ચુકાદાની ભારે ટીકા કરી હતી.

ક્લાઈવ અને ઈરીનના લગ્ન ૧૯૭૭માં થયાં હતાં અને તેમને બે દીકરી પણ હતી. આ પછી ૧૯૮૫માં તેમના ડાઈવોર્સ થયા હતા. ડાઈવોર્સના ચાર પછી ૧૯૮૯માં ક્લાઈવ અને બ્રેન્ડાએ ડેટિંગ શરુ કર્યું હતું. ક્લાઈવ પોતાની દીકરીઓને મળવા સાસરે જતો હતો ત્યારે તેમના વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે બ્રેન્ડાના પૂર્વ પતિએ પણ આ નવા સંબંધને સમર્થન આપતા કહ્યું હતું કે દીકરીએ ફરી લગ્ન કરી લીધાં હોવાથી કોઈ વાંધો રહેતો નથી.

સ્વાભાવિક રીતે જ ક્લાઈવની પૂર્વ પત્ની અને બ્રેન્ડાની દીકરી ઈરીન લગ્નમાં હાજર રહી ન હતી. તેણે ‘ધ પીપલને’ ૨૦૧૨માં કહ્યું હતું કે,‘ મારી માતા કોણ છે તે હવે હું જાણતી નથી, તેણે મારી સાથે સદંતર છેતરપિંડી કરી છે. મારાં પૂર્વ પતિ સાથે જે હસે છે, તસવીરો પડાવે છે અને લગ્નના શપથના પુનરાવર્તનની વાતો કરે છે તે મારાં માટે તદ્દન અજાણી વ્યક્તિ છે. મને તેની સલામતીની ચિંતા થાય છે’

૩૦ વર્ષથી સાથે રહેતા ક્લાઈવ અને બ્રેન્ડાએ છેક ૨૦૦૭માં સત્તાવાર લગ્ન કર્યાં હતાં. આમ તો તેઓ ૧૯૯૭માં લગ્ન કરવાના હતા પરંતુ, બ્રિટિશ કાયદો આડે આવ્યો અને ક્લાઈવની ધરપકડ પણ થઈ હતી. તેણે કાયદો બદલવા રીતસરનું અભિયાન છેડ્યું હતું જેના પરિણામે, ૧૦ વર્ષ પછી યુકે સરકારને કાયદો બદલવાની ફરજ પડી હતી.

યુરોપિયન હ્યુમન રાઈટ્સ જજીસે બ્રિટિશ મહિલા તેના સસરા સાથે લગ્ન કરી શકે તેવો અધિકાર સપ્ટેમ્બર ૨૦૦૫માં આપ્યો હતો. આ ચુકાદાના પરિણામે, યુકે સરકારને બ્રિટિશ કાયદામાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. સરકારે ત્યારે દલીલો કરી હતી કે પ્રવર્તમાન કાયદાથી પરિવાર અને નૈતિકતાને રક્ષણ મળે છે, પેરન્ટ્સ અને સંતાનો વચ્ચે સેક્સ્યુઅલ કોમ્પિટિશન અટકે છે તેમજ બાળકોને ગુંચવાડા, ચિંતા અને નુકસાન સામે રક્ષણ મળે છે. જોકે, સાત યુરોપિયન જજીસે ચુકાદો આપ્યો હતો કે સાસુ કે સસરાના જમાઈ કે પુત્રવધુ સાથે લગ્ન પર પ્રતિબંધ ફરમાવતો જૂનો બ્રિટિશ કાયદો પુરુષ અને સ્ત્રીના લગ્નને અધિકાર આપતા યુરોપિયન હ્યુમન રાઈટ્સ કન્વેન્શનના આર્ટિકલ ૧૨નો ભંગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter