પધારો અમારે દેશઃ હવે બ્રિટને પણ નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું

Friday 12th December 2014 09:17 EST
 
 

બ્રિટન સરકાર વડા પ્રધાન કાર્યાલયના સંપર્કમા છે અને નરેન્દ્ર મોદીના બ્રિટન પ્રવાસ માટે તારીખની ચર્ચા ચાલે છે. અહેવાલ અનુસાર, ડેવિડ કેમરન સરકાર ઈચ્છે છે કે, નરેન્દ્ર મોદી આવતા વર્ષે ૩૦ જાન્યુઆરીના ગાંધી નિર્વાણ દિનના રોજ લંડનમાં ઉપસ્થિત રહે અને પેલેસ ઓફ વેસ્ટમિન્સટરની બહાર જગવિખ્યાત પાર્લામેન્ટ સ્કવેર ખાતે અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરે.

ઉલ્લેખનીય છે કે નાણાપ્રધાન જ્યોર્જ ઓસ્બોર્ન અને વિદેશ પ્રધાન વિલિયમ હેગ પાર્લામેન્ટ સ્કવેર ખાતે ગાંધીજીની પ્રતિમા સ્થાપવાની જાહેરાત ઘણા સમય પહેલાં જ કરી ચૂક્યા છે. જોકે આ માટે તેમણે જે સમય પસંદ કર્યો છે તે ઘણો મહત્ત્વનો છે. બ્રિટનમાં મે ૨૦૧૫માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની શક્યા છે. જો આના થોડાક સમય પૂર્વે જ ગાંધી પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાય તો ભારતવંશી મતદારોને આકર્ષવાનું કામ સરળ બની જશે. અને તેમાં પણ જો આ પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તો, રાજકીય વિશ્લેષકોના મતે, કેમરનની કન્ઝર્વેટીવ પાર્ટી માટે ચૂંટણીમાં વિજય મેળવવો મુશ્કેલ નહીં રહે.

લંડનમાં ગાંધીજીની બીજી પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરતી વેળા ઓસ્બોર્ને કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના રાષ્ટ્રપિતા હોવાના નાતે હવે સમય આવી ગયો છે કે જે જગ્યાએ સંસદીય પરંપરા શરૂ થઈ ત્યાં ગાંધીજીને સન્માનવામાં આવે. ગાંધીજી માત્ર બ્રિટન કે ભારત માટે જ નહીં. પરંતુ વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત છે.

જોકે પડદા પાછળની હકીકત એ છે કે માત્ર પ્રતિમા જ નહીં, પણ તેનું અનાવરણ કયા મહાનુભાવના હસ્તે થાય છે તે પણ ઘણું મહત્ત્વનું છે. પ્રતિમાના અનાવરણ માટે મોદી જ બ્રિટિશ સરકારની પ્રથમ પસંદ છે અને સરકારને લાગે છે કે, મોદી આમંત્રણ નકારશે નહીં.

ખરેખર તો મોદીને આ આમંત્રણ આપવા પાછળનું કારણ લંડન અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા ગુજરાતી મૂળના સાત લાખ બ્રિટિશ નાગરિકો છે. બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોમાંથી વસ્તીના હિસાબે ગુજરાતીઓ બીજા સ્થાને છે.

વર્ષ ૨૦૦૨માં ગોધરા રમખાણો બાદ લેબર પાર્ટી સરકારે ગુજરાતમાં મોદી સરકાર સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હતા. આ રમખાણોમાં કેટલાક બ્રિટિશ ગુજરાતી નાગરિકો પણ માર્યા ગયા હતા. જેમાં એક પૂર્વ ભારતીય સાંસદ અહેસાન જાફરી પણ હતા. તેમના પત્ની ઝાકિયા જાફરીએ ગુજરાત સરકાર વિરુદ્ધ અભિયાન છેડ્યું હતું. જોકે ગયા વર્ષે ૨૦૧૩માં કેમરન સરકારે મોદી સાથેના રાજદ્વારી સંબંધો સુધારવાની પહેલ કરતાં બ્રિટનના દિલ્હી ખાતેના હાઈ કમિશનર જેમ્સ બેવનને મોદીની મુલાકાતે ગાંધીનગર મોકલ્યા હતા. હવે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન પદે બિરાજે છે ત્યારે બ્રિટિશ સાંસદોને આશા છે કે, ગાંધીજીની પ્રતિમાના અનાવરણનું આમંત્રણ આપવાથી બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter