પનામા પેપર્સ લીકમાં ફસાયેલા ડેવિડ કેમરને કમાણી જાહેર કરી

Tuesday 12th April 2016 14:38 EDT
 
 

લંડનઃ પનામા પેપર્સ લીક મામલે દેશમાં ભારે વિરોધનો સામનો કરી રહેલા વડાપ્રધાન ડેવિડ કેમરને પોતાની કમાણીના ટેક્સ સંબંધિત આંકડા બહાર પાડયા છે. આ આંકડાઓ પ્રમાણે તેમણે ૨૦૧૪-૧૫ દરમિયાન ૨૦૦,૦૦૦ પાઉન્ડની કમાણી કરી હતી જેમાંથી તેમણે ૭૬,૦૦૦ પાઉન્ડનો ટેક્સ ભર્યો હતો. બ્રિટનના વડાપ્રધાને પહેલીવાર આવા પ્રકારના દસ્તાવેજો બહાર પાડીને જણાવ્યું છે કે, તેમણે લંડનમાં નોટિંગ હિલ ખાતે આવેલા તેમના પૈતૃક ઘરના ભાડાની ૫૦ ટકા ભાગીદારીથી ૪૬,૮૯૯ પાઉન્ડની કમાણી કરી હતી.

પનામા પેપર્સ કૌભાંડમાં નામ આવ્યા પછી વડાપ્રધાન ડેવિડ કેમરનના રાજીનામાની માગ બળવતર બની છે એવા સમયે કેમરને આ દસ્તાવેજો જારી કર્યા છે. હજારો લોકો તેમની વિરુદ્ધ શેરીઓમાં ઊતરી પડ્યા હતા .જો કે એક દિવસ પહેલા જ તેમણે એવું જણાવ્યું હતું કે, આ મામલાને હું સારી રીતે પહોંચી વળીશ કારણ કે, મેં કશું ખોટું કર્યું નથી. પોતાની આવકના સ્રોતો જાહેર કરવાની સાથે તેમણે કરચોરીના આરોપોની તપાસ માટે એક કાર્યદળ બનાવવાની પણ જાહેરાત કરી છે.

પનામા પેપર્સ લીકમાં એક વિદેશી હોલ્ડિંગ્સ ફંડનો પણ ઉલ્લેખ છે જેમાં કેમરૂનના પિતાને આ કંપની ચલાવવા માટે મદદ કરી હતી. કેમરન દ્વારા પ્રસિદ્ધ દસ્તાવેજો અનુસાર તેમણે અને પત્ની સામંથાએ ૨૦૧૦માં બ્લેમોર હોલ્ડિંગ્સ ફંડના શેર વેચીને ૧૯,૦૦૦ પાઉન્ડનો ફાયદો કર્યો હતો. આ નફામાં કેમરનની કમાણી ૯,૫૦૧ પાઉન્ડ હતી, જ્યારે તે સમયે કર મર્યાદા ૧૦,૧૦૦ પાઉન્ડ હતી. ૨૦૧૦માં કેમરનના પિતાના અવસાન પછી તેમને ૩,૦૦,૦૦૦ પાઉન્ડ વારસાગત મિલકતમાંથી મળ્યા હતા. આ પછી, તેમના માતાએ તેમને મે અને જુલાઇ ૨૦૧૧માં એક લાખ પાઉન્ડની ચુકવણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter