લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે ૨૭ ઓક્ટોબર બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં જાહેર કરેલા બજેટમાં કરકસરની નીતિનો ત્યાગ કરવા સાથે હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને જસ્ટિસ સિસ્ટમ સહિત જાહેર સેવાઓ માટે વધારાના ૧૫૦ બિલિયનના જંગી ખર્ચા કરવાની જાહેરાત કરી છે. તમામ સરકારી વિભાગોને બજેટમાં ખર્ચાની ફાળવણીનો ફાયદો મળશે. આ જંગી ખર્ચાને અપેક્ષાથી વધુ સારી આર્થિક વૃદ્ધિ અને ટેક્સમાં વધારાથી સરભર કરવામાં આવશે. જોકે, આના પરિણામે, સરેરાશ પરિવારે ટેક્સમાં વધુ ૩,૦૦૦ પાઉન્ડ ચૂકવવા પડશે.
ચાન્સેલરે ૧૪૦ વર્ષમાં પ્રથમ વખત ડ્રિન્ક્સ પરની ડ્યૂટીઝ ઘટાડી હતી. બીજી તરફ, ચાન્સેલરે સ્કૂલ્સ, હોસ્પિટલ્સ અને બોરિસ જ્હોન્સનના લેવલિંગ અપ એજન્ડામાં રોકડનો પ્રવાહ ઠાલવી દીધો હતો. તેમણે ખાતરી આપી હતી કે આ જંગી ખર્ચનું પુનરાવર્તન નહિ કરાય અને આગામી ચૂંટણી પહેલા, પાર્લામેન્ટના અંત સુધીમાં તેઓ ટેક્સ ઘટાડશે. ટોરી સભ્યોએ બજેટને આવકાર્યું હતું. જોકે,ગ્લાસગોમાં આગામી સપ્તાહે UN Cop26નું આયોજન છે તે પહેલા રજૂ કરાયેલા બજેટમાં નવા પર્યાવરણલક્ષી પગલાં જાહેર કરાયા નથી તેની ભારે ટીકા થઈ રહી છે.
સુનાકનું બજેટ કન્ઝર્વેટિવ રેડ વોલ બેઠકોના પૂર્વ લેબર મતદારોને આકર્ષવા મોટા પાયે જાહેર ખર્ચા કરવાની વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની ઈચ્છાનું પ્રતિબિંબ છે. તેમના લેવલિંગ-અપ એજન્ડા પાછળ બિલિયન્સ પાઉન્ડ ખર્ચવા ઉપરાંત, કાઉન્સિલો પરનું દબાણ ઘટાડવા, ભરચક જેલોના વિસ્તરણ અને કોવિડ પછીના બેકલોગ્સ ઘટાડવા માટે પણ વધારાના નાણા ખર્ચાશે. અન્ય મહત્ત્વનું પગલું સૌથી ઓછું કમાતા લોકોને યુનિવર્સલ ક્રેડિટ બેનિફિટિસ મેળવાય છે તેના દરમાં ઘટાડા સાથે ૨.૨ બિલિયન પાઉન્ડની રાહત આપવાનું છે. સુનાકે જણાવ્યું હતું કે આનાથી વર્ક એન્ડ રિવોર્ડ ફેમિલીઝને જીવનનિર્વાહ ખર્ચમાં સપોર્ટ મળશે અને તેઓ બેનિફિટના વધુ નાણા રાખી શકશે.
બજેટમાં બિઝનેસ રેટ ડિસ્કાઉન્ટ્સ, નીચાં બેન્ક સરચાર્જીસ, આલ્કોહોલ ડ્યૂટીમાં ઘટાડો, અને ફરી એક વખત ફ્યૂલ ડ્યુટી સ્થગિત કરવા સહિત નાના ટેક્સકાપ જાહેર કરાયા છે. બીજી તરફ, નેશનલ ઈન્સ્યુરન્સ અને ઈન્કમ ટેક્સ આગામી એપ્રિલમાં વધી રહ્યા છે જ્યારે તેના પછીના વર્ષે કોર્પોરેશન ટેક્સ ૧૯ ટકાથી વધી ૨૫ ટકાનો થવાનો છે. ૨૦૨૬-૨૭ સુધીમાં અર્થતંત્રમાં હિસ્સા તરીકે ટેક્સનું પ્રમાણ ૧૯૫૦ પછી સર્વોચ્ચ સ્તરે (૩૬.૨ ટકા) રહેશે.
સુનાક ટેક્સ વધારવા બાબતે દિલગીર
ચાન્સેલર સુનાકે LBCને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ટેક્સ વધારવા બાબતે દિલગીર છે. તેમનું લક્ષ્ય આ પાર્લામેન્ટની મુદતના અંતે ટેક્સ ઘટાડવાનું હતું. પબ્સિક સર્વિસીસ માટે ચૂકવવાનું આવશ્યક હોવાનું ગણાવી તેમણે ટેક્સવધારાને વાજબી ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘સામાન્યપણે તમે જેના પર નાણા ખર્ચતા હો તેવી ચીજવસ્તુઓ માટે ચૂકવણી કરવી પડે છે અને આપણે પબ્લિક સર્વિસીસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ્સ ક્ષેત્રોમાં રોકાણોનો મહત્ત્વાકાંક્ષી પ્રોગ્રામની રુપરેખા જાહેર કરી છે. કોરોના વાઈરસે આપણા અર્થતંત્રને જે નુકસાન પહોંચાડ્યું તેના કારણે અને આપણા કરજ અને દેવાંને અંકુશ હેઠળ લાવવા ચેક્સીસમાં વધારો જરૂરી હતો.’ સુનાકે ભારપૂર્વક કહ્યું હતું કે યુનિવર્સલ ક્રેડિટ ટેપર રેટમાં ઘટાડો બેનિફિટ્સમાં વધારો નહિ પરંતુ, ટેક્સમાં કાપ ગણાવો જોઈએ.
અર્થતંત્રમાં નોંધપાત્ર વૃદ્ધિની આશા
ચાન્સેલરે જણાવ્યું હતું કે ગત શિયાળાના લોકડાઉન પછી અર્થતંત્રમાં તેજી આવી છે જેનો અર્થ એ છે કે તે ચાર ટકાની આગાહીના બદલે ૬.૫ ટકાના દરે વૃદ્ધિ પામશે. આનો અર્થ એ છે કે સરકારને નેશનલ ઈન્સ્યુરન્સ દરમાં વધારાથી મળનારા આશરે ૧૫ બિલિયન પાઉન્ડ ઉપરાંત, વાર્ષિક રેવન્યુમાં વધારાના ૩૫ બિલિયન પાઉન્ડ મળશે. આમાંથી ૩૦ બિલિયન પાઉન્ડ પબ્લિક સર્વિસીસ પાછળ ખર્ચાશે. ચાન્સેલરે આકસ્મિક અર્થતંત્રી શોક્સ માટે ૨૦ બિલિયન પાઉન્ડ બાજુએ મૂકી રાખ્યા છે. જોકે, સુનાકે સ્વીકાર્યું હતું કે તેમની યોજના સામે ફૂગાવાનું સોથી મોટું જોખમ છે. જો ફૂગાવા અને ઈન્ટરેસ્ટ રેટ્સમાં એક પર્સન્ટેજ પોઈન્ટનો વધારો થાય તો પણ આપણને આશરે ૨૩ બિલિયન પાઉન્ડનો માર પડી શકે છે.