પબ્સ-રેસ્ટોરાંની પણ તાળાબંધીઃ બ્રિટિશરો શરાબનો છેલ્લો ઘૂંટ માણવા ઉમટી પડ્યા

Wednesday 25th March 2020 01:33 EDT
 
 

લંડનઃ યુકેમાં કોરોના વાઈરસની કટોકટી ફેલાઈ જવાં સાથે ૮૦૭૭ લોકો ચેપગ્રસ્ત બન્યાં છે અને મૃત્યુઆંક વધીને ૪૨૨ થયો છે. કોવિડ-૧૯ વાઈરસના વધતા જતાં પ્રમાણ સાથે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૧ માર્ચથી સમગ્ર બ્રિટનમાં કાફેઝ, બાર, પબ્સ, રેસ્ટોરાં, જીમ્સ અને સિનેમા અને થીએટર્સ સહિત આનંદપ્રમોદના સ્થળો બંધ કરવાનો આદેશ આપી દીધો હતો. આનો અમલ થાય તે પહેલા બ્રિટિશરો શરાબનો છેલ્લો ઘૂંટ પીવાનો હોય તેમ શુક્રવારની રાત્રે પબ્સ અને બારમાં ઉમટી પડ્યા હતા. લોકોએ શરાબની મોટા પાયે ખરીદી કરવા દુકાનો અને સુપરમાર્કેટ્સમાં લાઈનો લગાવી હતી.

વડા પ્રધાન જ્હોન્સને સમગ્ર બ્રિટનમાં કાફેઝ, બાર, પબ્સ, રેસ્ટોરાં, જીમ્સ અને સિનેમા અને થીએટર્સ સહિત આનંદપ્રમોદના સ્થળો ૨૧ માર્ચથી લોકડાઉન કરવાનો આદેશ જાહેર કર્યો છે. સરકારે કોરોના વાઈરસના ચેપને અટકાવવા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હોવાં છતાં શરાબપ્રેમીઓ મોટા પાયે પબ્સ અને બારમાં ઉમટી પડ્યા હતા કારણકે બંધ કરાયેલી દુકાનો, પબ્સ અને બાર ફરી ક્યારે ખુલશે તેની જાણ નથી. સમગ્ર દેશમાં શરાબપ્રેમીઓએ બંધ કરાઈ રહેલા પબ્સ અને બારમાં શરાબના છેલ્લાં ઘૂંટ માણ્યા હતા. આ સાથે શરાબનો જથ્થો સંગ્રહ કરવા માટે સુપરમાર્કેટ્સમાંથી આલ્કોહોલની ખરીદી પણ વધી ગઈ હતી. ઘણા લોકોએ વિરોધમાં કહ્યું હતું કે શરાબની દુકાનો કે પબ્સ બંધ કરવા પાછળનો તર્ક સમજાતો નથી. લોકો હજુ ટ્યૂબ્સમાં મુસાફરી કરે છે. તેમના દ્વારા વાઈરસના ફેલાવાનું વધુ જોખમ છે. લોકોને સપ્તાહમાં કામ કર્યા પછી આનંદ માટે શરાબ પીવા જવાનું સ્થળ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે વીધરસ્પૂનના મલ્ટિમિલિયોનેર માલિક ટિમ માર્ટીને આરોગ્યના જોખમોને અવગણી પોતાની શરાબની ચેઈન્સ ચાલુ રાખવાનો ઈરાદો જાહેર કર્યો હતો તેની પણ ભારે ટીકા થઈ છે.

બીજી તરફ, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર લંડન અને તેની ૯૦ લાખ જેટલી વસ્તી કોરોના વાઈરસના ચેપનું જોખમ ધરાવે છે ત્યારે લોકોનાં ટોળાં તેના પ્રત્યે બેદરકારી દાખવી બારની અંદર શરાબપાન કરવા ઉમટી પડ્યા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં જાહેર થઈ હતી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અડધોઅડધ વસ્તી એકાંતવાસ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહિ કરે તો બોરિસ જ્હોન્સનનો કોરોના વાઈરસ પ્લાન નિષ્ફળ જઈ શકે છે.

વડા પ્રધાને પબ્સ અને રેસ્ટોરાં લોકડાઉન જાહેર કરતા કહ્યું હતું કે, ‘દેશના મુક્ત નાગરિકોના પબ્સમાં શરાબપાન કરવાના પ્રાચીન અધિકારને છીનવી લેવાનું અમારું પગલું અસાધારણ છે. અમે લોકોની લાગણી સમજે છીએ પરંતુ, આ સ્થળોએ જઈ તમે પોતાની, પરિવારની અને સમગ્ર કોમ્યુનિટીની જિંદગીઓ જોખમમાં મૂકો છો તે જાણવું પણ આવશ્યક છે. જો તમે આદેશનું પાલન કરશો તો હજારોનું જીવન બચી જશે એટલું જ નહિ, આપણે આ કટોકટીમાંથી વહેલા બહાર આવી શકીશું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter