લંડનઃ બ્રિટનની બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની HSBCએ જાહેરાત કરી છે કે તેના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર પમ કૌર હોદ્દો સંભાળ્યાના બે વર્ષથી પણ ઓછા સમયમાં પોતાના પદ પરથી નિવૃત્ત થશે. બેંકના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025માં CFO નો પદભાર સંભાળનાર પમ કૌર આગામી વર્ષે યોજાનારી વાર્ષિક શેરધારકોની બેઠકમાં પુનઃચૂંટણી લડશે નહીં. પદ છોડ્યા બાદ કૌર વર્ષ 2028ના અંત સુધી સીઇઓ જ્યોર્જ એલ્હેડેરીને વ્યૂહાત્મક પહેલોમાં સહયોગ આપવા માટે સલાહકારની ભૂમિકા ભજવશે. જોકે, તેમની નિવૃત્તિની ચોક્કસ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ તેમનો નોટિસ પિરિયડ 9 સપ્ટેમ્બર, 2027ના રોજ પૂર્ણ થાય છે.
વર્ષ 2013માં HSBC સાથે જોડાયેલા કૌર અગાઉ ડોઇશ બેંક, રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ અને લોયડ્સ TSBમાં ઓડિટ અને કમ્પ્લાયન્સ સંબંધિત મહત્ત્વના પદો પર રહી ચૂક્યા છે. જાન્યુઆરી 2020માં તેઓ HSBCમાં ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર બન્યા હતા.
પોતાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં પમ કૌરે જણાવ્યું હતું કે, લીડરશિપ ટીમનો હિસ્સો બનવું એ મારા માટે ગૌરવની વાત રહી છે. હાલ બેંક નાણાકીય અને વ્યૂહાત્મક રીતે મજબૂત સ્થિતિમાં છે, તેથી 2027નો સમય કારકિર્દીના નવા તબક્કામાં પ્રવેશવા માટે યોગ્ય જણાય છે.


