લંડનઃ એ-લેવલ અને GCSE પરિણામોમાં ગરબડોએ બે ઉચ્ચ અધિકારીઓનો ભોગ લીધો છે. જોકે, એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસનનો વાળ વાંકો થયો નથી. ઓફક્વોલ (Ofqual)ના વડા સેલી કોલિયરે ૨૫ ઓગસ્ટે પદત્યાગ કર્યાના બીજા દિવસે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને એજ્યુકેશન ચીફ જોનાથન સ્લેટરને હોદ્દા પરથી ઉતારી મૂક્યા હતા, તેમણે પહેલી સપ્ટેમ્બરે હોદ્દો છોડ્યો છે. બીજી તરફ, એજ્યુકેશન સેક્રેટરી વિલિયમસને કહ્યું હતું કે તેમણે મિસ કોલિયેરને રાજીનામું આપવા ફરજ પાડી નથી.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને એ-લેવલ અને GCSE પરિણામોના ફિઆસ્કા પછી નવી નેતાગીરીની જરુર હોવાનું જણાવી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ સિવિલ સર્વન્ટ જોનાથન સ્લેટરને હોદ્દા પરથી ઉતારી મૂક્યા હતા. તેમની મુદત સ્પ્રિંગ ૨૦૨૧માં પૂર્ણ થવાની હતી. અગાઉ, ગ્રેડિંગ સિસ્ટમમાં નાટ્યાત્મક પીછેહઠ પછી ઓફક્વોલના ચીફ એક્ઝિક્યુટિવ સેલી કોલિયરે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. કોરોના મહામારીના કારણે નહિ લેવાયેલી પરીક્ષાઓમાં ગ્રેડિંગ અરાજકતાના પરિણામે ઉચ્ચ હોદ્દાઓ પરની વ્યક્તિઓમાંથી એજ્યુકેશન સેક્રેટરી વિલિયમસન સિવાયનાનું રાજીનામું મેળવી લેવાયું છે. ભારે દબાણ હોવાં છતાં, વડા પ્રધાને પૂર્વ ચીફ વ્હીપ અને પોતાની નેતાગીરીની ચૂંટણીના અભિયાનમાં કામ કરનારા વિલિયમસનને બચાવી લીધા છે.
દરમિયાન, વડા પ્રધાન જ્હોન્સને પરીક્ષા પરિણામોની અરાજકતાનો દોષ ગ્રેડ્સની ગણતરીમાં ઉપયોગમાં લેવાયેલા અલ્ગોરિધમ પર ઢોળ્યો હતો જેમાં, ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓ સામે પૂર્વગ્રહ રખાયાનું જણાયું હતું. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાને અગાઉ અલ્ગોરિધમ આધારિત ગ્રેડ્સ વિશ્વાસપાત્ર હોવાનું જણાવ્યું હતું.
કેબિનેટ પ્રવક્તાએ જણાવ્યું હતું આગામી સપ્તાહોમાં જોનાથન સ્લેટરના સ્થાને કાયમી નિયુક્તિ ન થાય ત્યાં સુધી વચગાળાના સેકન્ડ પરમેનન્ટ સેક્રેટરી સુસાન એકલેન્ડ-હૂડ કાર્યકારી પરમેનન્ટ સેક્રેટરીની ફરજ નિભાવશે. સ્લેટર વડા પ્રધાન જ્હોન્સનની સરકારમાં રાજીનામું આપનારા ત્રીજા સીનિયર સિવિલ સર્વન્ટ છે. કેબિનેટ સેક્રેટરી માર્ક સિડવેલ તેમજ ફોરેન ઓફિસના સિમોન મેક્ડોનાલ્ડ પદત્યાગ કરી રહ્યા છે. જ્યારે ફેબ્રુઆરીમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સાથે ધાકધમકીના વિવાદમાં ફિલિપ રુટનામે પણ પદત્યાગ કર્યો હતો.