લંડનઃ પરિવારના સભ્યને યુકેમાં સ્પોન્સર કરવાની લઘુત્તમ પગાર મર્યાદા વધારીને 38,700 પાઉન્ડ નહીં કરવા સંખ્યાબંધ લેબર સાંસદો દ્વારા માગ કરાઇ છે. આ મામલામાં લેબર સાંસદો જ બળવો કરે તેવા એંધાણને પગલે સરકાર યુકેમાં વિદેશી જીવનસાથીને લાવવા માટે જરૂરી લઘુત્તમ પગાર મર્યાદા વધારવી કે નહીં તેના પર વિચારણા કરી રહી છે.
ગયા વર્ષે અગાઉની કન્ઝર્વેટિવ સરકારે યુકેના બ્રિટિશ અથવા વિદેશી રહેવાસીઓ માટે ફેમિલી વિઝા સ્પોન્સર કરવા માટેની લઘુત્તમ પગારમર્યાદા 18,600 પાઉન્ડથી વધારીને 29,000 પાઉન્ડ કરાઇ હતી. આ મર્યાદા 2024માં વધારીને 34,000 પાઉન્ડ અને 2025માં 38,700 પાઉન્ડ કરવાની યોજના હતી પરંતુ સરકાર બદલાતાં સત્તામાં આવેલી લેબર સરકારે આ યોજનાને સ્થગિત કરી દીધી હતી.
લઘુત્તમ પગાર મર્યાદા 29,000 પાઉન્ડથી વધારવી કે નહીં તે અંગે હજુ હોમ ઓફિસ વિચારણા કરી રહી છે. હોમ ઓફિસે ઇન્ડિપેન્ડન્ટ માઇગ્રેશન એડવાઇઝરી કમિટી પાસે સલાહ પણ માગી છે. કમિટી આ અંગે તપાસ કરીને ઉનાળા સુધીમાં સરકારને રિપોર્ટ આપશે.
ગયા સપ્તાહમાં આ મુદ્દા પર હાઉસ ઓફ કોમન્સમાં થયેલી ચર્ચામાં મોટી સંખ્યામાં લેબર સાંસદોએ સરકારને લઘુત્તમ પગાર મર્યાદામાં વધારો ન કરવા અપીલ કરી હતી. કેટલાક સાંસદે તો હાલની મર્યાદામાં ઘટાડાની માગ કરી હતી જેથી જીવનસાથી અને અન્ય પરિવારજનોને યુકેમાં લાવવાની પ્રક્રિયા સરળ બની રહે. લેબર સાંસદ આઇરિન કેમ્પબેલે સરકારની આ જોગવાઇને પરિવાર વિરોધી નીતિ ગણાવી હતી.

