લંડનઃ ટોરી પાર્ટી દ્વારા વેલ્ફેર બિલ ઘટાડવાના સુધારાઓનાં પગલે આ વર્ષના ઓટમથી બ્રિટિશરોને બેનિફિટ્સની લહાણીમાં ભારે કાપ મૂકવામાં આવનાર છે. બેનિફિટ્સ માટે વાર્ષિક મર્યાદા પરિવારદીઠ ૨૬,૦૦૦ પાઉન્ડ છે તેમાં કાપ મૂકી ૨૦,૦૦૦ પાઉન્ડ કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના સેક્રેટરી સ્ટીફન ક્રેબે જણાવ્યા અનુસાર બેરોજગાર લોકોએ કામ શોધવાને પ્રાધાન્ય આપવું પડશે. બેનિફિટ્સ પર જીવન નિભાવતા દાવેદારોને કહી દેવાયું છે કે કામ શોધી લો નહિ તો તમારા લાભ કાપી નખાશે. જોકે, જે પરિવારમાં માત્ર એક પુખ્ત વ્યક્તિ કામ કરતી હોય અથવા કોઈને ડિસેબિલિટી બેનિફિટ્સ મળતાં હોય તેમને નવી મર્યાદામાંથી મુક્તિ મળશે.
ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ગત વર્ષના બજેટમાં નવી બેનિફિટ્સ મર્યાદા જાહેર કરી હતી. ૨૦૧૩માં મર્યાદા દાખલ કરાયા પછી ૨૨,૦૦૦ લોકોએ બેનિફિટ્સના દાવા કરવાનું બંધ કર્યું હતું. વધુ ૧૧,૫૦૦ લોકોએ લાભના દાવાની રકમો ઘટાડી દીધી છે. અત્યારે પરિવારો વાર્ષિક ૨૬,૦૦૦ પાઉન્ડની મર્યાદામાં બેનિફિટ્સ મેળવી શકે છે પરંતુ, કાપ પછી લંડન માટે નવી મર્યાદા ૨૩,૦૦૦ પાઉન્ડ અને દેશના અન્ય વિસ્તારો માટે ૨૦,૦૦૦ પાઉન્ડ થશે.
ટ્રેઝરીના આંકડા અનુસાર આ કાપથી નોંધપાત્ર બચત થશે. વર્તમાન મર્યાદાથી વર્ષે ૧૮૫ મિલિયન પાઉન્ડની બચત થાય છે અને નવી મર્યાદા અમલી બનવાથી ૨૦૨૦ સુધીમાં વધારાના વાર્ષિક અડધા બિલિયનની બચત થશે. આ મર્યાદા એવી રીતે તૈયાર કરાઈ છે કે બેનિફિટ્સ પર રહેતો પરિવાર સરેરાશ વર્કિંગ ફેમિલીની ચોખ્ખી આવકથી વધુ બેનિફિટ્સનો દાવો કરી શકે નહિ.


