પરિવારમાં પડી એક તકરાર

યુગાન્ડાના નંબર વન માધવાણી પરિવારમાં પણ સંપત્તિનો વિખવાદ

Thursday 13th August 2020 01:40 EDT
 
 

લંડનઃ યુગાન્ડાના સૌથી ધનિક પરિવારોમાં એક અને ગુજરાતી લોહાણા માધવાણી પરિવારમાં સંપત્તિની ખેંચતાણે ભારે કડવાશ સર્જી છે. માધવાણી પરિવાર માત્ર તેમની અપાર સંપત્તિ કે બિઝનેસીસના કારણે જ પ્રખ્યાત નથી. માધવાણી ગ્રૂપના સ્થાપક વડીલ મુળજીભાઈ માધવાણી અને પરિવાર દ્વારા યુગાન્ડા, યુકે, ભારતમાં મોટા પાયે દાન-સખાવતો થતાં રહ્યાં છે. શિક્ષણના મહત્ત્વને પીછાણી વિદ્યાર્થીઓને અભ્યાસમાં જરા પણ પીછેહઠ કરવી ન પડે તે માટે તેમના ફાઉન્ડેશન હેઠળ યુગાન્ડામાં વિવિધ સ્કોલરશિપ્સ આપવામાં આવે છે. મંદિરોના નિર્માણમાં દાન આપવાનું હોય ત્યારે માધવાણી સૌથી આગળ રહેતા હતા. આવા મોભાદાર પરિવારમાં વિખવાદના ઘટનાક્રમથી તેમના પરિચિતો અને કુટુંબભાવનામાં માનતા ભારતીયોને દુઃખ થાય તે સ્વાભાવિક છે. ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઈસ’ના તંત્રી પણ તેમાંથી બાકાત નથી.
માધવાણી ગ્રૂપના સ્થાપક વડીલો તો હવે રહ્યા નથી પરંતુ, મૂળજી પ્રભુદાસ માધવાણી ઉર્ફ મુળજીભાઈ માધવાણીએ સ્થાપેલી માધવાણી ગ્રૂપ ઓફ કંપનીઝની આશરે ૨૦૦ મિલિયન ડોલર (આશરે Shs ૭૪૦ બિલિયન)થી વધુની સંપત્તિ મૂળજીભાઈ માધવાણી પરિવારના બે ગ્રાન્ડચિલ્ડ્રન વચ્ચે વિવાદનું કેન્દ્ર બની છે. આપણામાં કહેવત છે કે ‘જર, જમીન અને જોરુ, ત્રણે કજિયાના છોરું’. માધવાણી પરિવારમાં પણ આ કહેવત સાચી પડી છે. ભાઈ નીતિન જયંતભાઈ માધવાણીએ તેમના બહેન અને યુગાન્ડાના ડેન્માર્કસ્થિત રાજદૂત મિસ નિમિષાબહેન માધવાણી સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે.

નિમિષાબહેનની રાજદ્વારી કારકિર્દી

ઉલ્લેખનીય છે કે ડિપ્લોમેટિક કારકિર્દી ધરાવતા નિમિષાબહેન માધવાણી નવેમ્બર ૨૦૧૮થી ડેન્માર્કમાં યુગાન્ડાના એમ્બેસેડર તરીકે કામગીરી બજાવી રહ્યાં છે.
આ સાથે તેમના હસ્તક નોર્ડિક દેશો ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો હવાલો પણ છે.

તેમણે ભારતમાં પણ યુગાન્ડાના હાઈ કમિશનર તેમજ યુનાઈટેડ આરબ અમીરાતમાં એમ્બેસેડર તરીકે સેવા આપી છે. આ ઉપરાંત, તેમણે યુએસ, ફ્રાન્સ, સ્પેન પોર્ટુગલ, યુનેસ્કોના દૂતાવાસોમાં વિવિધ સ્તરે રાજદ્વારી કામગીરી બજાવી છે. તેમણે ૧૯૯૦ના દાયકાથી યુગાન્ડા ફોરેન સર્વિસમાં રાજદ્વારી કારકિર્દીનો આરંભ કર્યો હતો. યુગાન્ડામાં એશિયનોની હકાલપટ્ટી કરી ત્યારે તેઓ ૧૩ વર્ષની વયે પરિવાર સાથે યુકેમાં આવ્યાં હતાં. ભારતીય સંસ્કૃતિમાં પારિવારિક સંપત્તિનો અંકુશ પુરુષ સંતાનના હાથમાં રહેતો આવ્યો છે. આ પરંપરાનો આધુનિક પેઢી દ્વારા વિરોધ થઈ રહ્યો છે. નીતિન અને નિમિષાબહેન વચ્ચે ખટરાગનું કારણ આ હોઈ શકે છે. નીતિન કશું જણાવતા નથી પરંતુ, તેમની નિકટના સૂત્રોએ જણાવ્યા અનુસાર ગ્રૂપની કામગીરીઓના મેનેજમેન્ટ અંકુશ મુદ્દે જેમની સાથે લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા છે તેવા કેટલાક કાકાઓ અને કઝીન્સની ચડામણી નિમિષાબહેનની એક્શન્સ પાછળ હોય તેવી લાગણી પ્રવર્તે છે.
સ્વર્ગસ્થ જયંતભાઈ મૂળજીભાઈ માધવાણીના ત્રણ સંતાનો - નીતિન, નિમિષાબહેન અને અમિત માધવાણી યુગાન્ડામાં માધવાણી ગ્રૂપની સંપત્તિઓમાં પાંચમો હિસ્સો ધરાવે છે. બાકીના હિસ્સાની માલિકી જયંતભાઈના ચાર ભાઈઓ મનુભાઈ માધવાણી, પ્રતાપભાઈ માધવાણી, સુરેશભાઈ માધવાણી અને મયૂરભાઈ માધવાણીના પરિવારોની છે.

નિમિષાબહેન સામે તપાસની માગ

માધવાણી ખાનદાનના સૌથી મોટા પૌત્ર નીતિન જયંતભાઈ માધવાણીએ પોલીસ તેમજ સ્ટેટ હાઉસના એન્ટિ-કરપ્શન યુનિટના વડા લેફ. કર્નલ એડિથ નાકાલેમાને અલગ પત્રો લખી તેમની બહેન અને યુગાન્ડાના ડેન્માર્કસ્થિત રાજદૂત મિસ નિમિષાબહેન માધવાણીની પ્રવૃત્તિઓની તપાસ કરવાની માગણી કરી છે. લેફ. કર્નલ નાકાલેમાને ૨૨ જૂને લખેલા પત્રમાં નીતિને તેમના બહેન માધવાણી ગ્રૂપ ઓફ કંપનીઝના ડાયરેક્ટર તરીકે અવરોધો ઉભા કરે છે અને તેમની અને પરિવારની સંપત્તિ પર કાબુ મેળવવા પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પત્રના અંશોમાં જણાવાયું છે કે, ‘નિમિષા માધવાણી મારા અને પરિવારના ઘર, એસેટ્સ પર અંકુશ મેળવવાં માટે મારા પરિવાર અને સ્ટાફને ડરાવવા, ધમકાવવા અને હેરાન કરવાં સરકારમાં પોતાની પોઝિશનનો દુરુપયોગ કરી રહ્યાં છે.’
નીતિનના પત્રમાં નિમિષાબહેન સામે તેમના વયોવૃદ્ધ અને અશક્ત માતાની સંપત્તિ તેમજ ફેમિલી બિઝનેસમાં બે ભાઈના હિસ્સા પર અંકુશ મેળવવાં લોકોને ધમકાવવાનો આક્ષેપ કરાયો છે. નીતિન લખે છે કે, ‘તેણે પોતાના ભાઈ અમિત (માધવાણી)ની માનસિક મર્યાદાઓ અને માતા (મીનાબહેન માધવાણી)ની અક્ષમતાઓનો ફાયદો ઉઠાવી તેમની કામગીરી અને પ્રોપર્ટી પર કંટ્રોલ મેળવ્યો છે.’

મીનાબહેન અને અમિત માધવાણીની અક્ષમતા

યુગાન્ડામાં ડો. ડેવિડ બાસાંગ્વા તેમજ યુએસએમાં મેયો ક્લિનિકના ડોક્ટર્સ કોરોલે કુહલ અને ક્રિસ્ટોફર ક્લેઈનના ન્યુરોલોજિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે મિસ મીનાબહેન વૃદ્ધાવસ્થાના કારણે ડિમેન્શિયા અને અલ્ઝાઈમર્સ ડિસીઝથી પીડાય છે. બીજી તરફ, અમિતને બાળપણમાં અપાયેલી વેક્સિનના રીએક્શનના કારણે માનસિક ક્ષમતાઓ મર્યાદિત રહી છે. ‘પારિવારિક કામકાજ અને પ્રોપર્ટી પર કાબુ મેળવવાના એજન્ડા’ને પાર પાડવા માતાની સહીઓ મેળવી લેવાનો આક્ષેપ પણ એમ્બેસેડર નિમિષાબહેન સામે કરાયો છે.
નીતિનના પત્રમાં ઉલ્લેખિત દસ્તાવેજોમાં એક ઓક્ટોબર ૧૮, ૨૦૧૨માં લખાયેલો પત્ર છે જેમાં નિમિષાબહેને અમિત માધવાણીને તત્કાળ સહી અને સ્કેન કરી તેને પરત મોકલવા આદેશાત્મક સૂચના આપી હતી. નીતિનની દલીલ છે કે તેમનો ભાઈ તેની અક્ષમતાના કારણે આવા ડોક્યુમેન્ટને કેવી રીતે સમજી શકે તેવો પ્રશ્ન ઉઠાવવો વાજબી છે. માતા મીનાબહેનને કેન્સરની સારવાર અને ન્યુરોલોજિકલ એસેસમેન્ટ માટે યુનાઈટેડ સ્ટેટ્સના મેયો ક્લિનિક લઈ જવાના પરિવારના નિર્ણય સામે નિમિષાબહેને વિરોધ કર્યાનો આક્ષેપ પણ છે. નીતિન લખે છે કે, ‘નિમિષાએ વિરોધ કર્યો કેમ કે વધુ સત્તાવાર ન્યુરોલોજિકલ ડાયાગ્નોસિસ ન કરાય તેમ તેની ઈચ્છા હતી, નિમિષાબહેન તેમના માતા મીનાબહેન માધવાણી સમક્ષ જે દસ્તાવેજો સહી કરાવવા માટે મૂકતાં હતાં તેના પર સહી કરાતી અટકાવવા આ નિદાનનો ઉપયોગ થઈ શકે તેમ હતો.’

સરકારી સંપર્કોના દુરુપયોગનો આક્ષેપ

મિસ નિમિષાબહેન માધવાણી ડેનમાર્કમાં યુગાન્ડાના એમ્બેસેડર છે. તેમના વિરુદ્ધ સરકારમાં સંપર્કોના દુરુપયોગના આક્ષેપો છે. તેઓ પોતાની વગથી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તેમજ મિનિસ્ટર ફોર સિક્યુરિટીને આ લડાઈમાં ખેંચી લાવ્યાં હોવાનું કહેવાય છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યા અનુસાર સિક્યુરિટી મિનિસ્ટર જન. એલી ટુમવાઈને ૨૭ માર્ચની રાત્રે નીતિન માધવાણીના પુત્ર ઋષિકેશ માધવાણીને ફોન કર્યો હતો અને ચેતવણી આપી હતી કે જો તે કાકિરામાં પરિવારના ઘરમાંથી તાત્કાલિક બહાર નહિ નીકળે તો સિક્યુરિટી એજન્સીઓ હસ્તક્ષેપ કરશે. ઋષિકેશ માધવાણીએ ઘરના કોઈ એક રુમમાં તેના દાદીમા શ્રીમતી મીનાબહેનને પૂરી દીધાં હોવાની માહિતી મળ્યા પછી જન. ટુમવાઈને આ આદેશ જારી કર્યો હતો.
જોકે, ઋષિકેશને કાકિરાના ઘરમાંથી બહાર નીકળવાનો ઓર્ડર કર્યાં સંબંધે જન. ટુમવાઈને તેનો સ્વીકાર કે ઈનકાર કર્યો નથી. જન. ટુમવાઈને ગુરુવારે બપોર પછી સેટરડે મોનિટરને ફોન પર જણાવ્યું હતું કે, ‘હું માધવાણી પરિવારની સમસ્યા વિશે જાણું છું અને અમે તેનો ઉપાય શોધવા પ્રયત્ન કરી રહ્યા છીએ. મેં આ બાબતે મિ. નીતિન માધવાણી સાથે વાત કરી કરી હતી પરંતુ, શું વાતચીત થઈ તે ખાનગી બાબત છે. આ જાહેર કરવાની વાત નથી.’

મીનાબહેન માધવાણીએ ફરિયાદ કરી

મીનાબહેન માધવાણીએ એવી ફરિયાદ કરી હતી કે તેમનો, તેમની દીકરી નિમિષાબહેનનો અને પુત્ર અમિતનો જીવ જોખમમાં છે. આ ફરિયાદના આધારે હાઉસ સ્ટાફના એક કર્મચારી ગણેશ પાંચાન્લાટને જિન્જાના સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ કરાયો હતો અને ફરિયાદ વિશે પૂછપરછ કરી હતી. માધવાણી ગ્રૂપમાં ઉચ્ચ સ્થાને રહેલા સૂત્રે અનામ રહેવાની તેમજ ગ્રૂપ વતી બોલવાની સત્તા ન હોવાથી તેમજ બાબતની સંવેદનશીલતાના કારણોને આગળ ધરતા ‘સેટરડે મોનિટર’ને જણાવ્યું હતું કે પોલીસ સમક્ષની મેટરની ગ્રૂપના ટોપ મેનેજમેન્ટના હસ્તક્ષેપ પછી જ પતાવટ થઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘પરિવાર માટે આઠ કરતા વધુ વર્ષથી કામ કરતો રસોઈઓ અચાનક તેમની વિરુદ્ધ થઈ જાય તે વાત માની શકાય તેમ નથી. સારા નસીબે નીતિને ફોન કર્યો અને રસોઈયાને કામે રહેવાનો અનુરોધ કર્યો હતો. અમે પણ એમ્બેસેડર (મિસ મિનિષાબહેન)ને કહ્યું હતું કે તેમના માટે અન્ય રસોઈયાની સેવા મેળવવાનું સરળ નહિ રહે.’ નીતિન માધવાણીએ મિસ નાકાલેમાને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે બંગલો વન (જયંત માધવાણીનું ફેમિલી હોમ આ નામે પ્રખ્યાત છે)માં કર્મચારીઓ તેમની બહેન દ્વારા હેરાનગતિથી ફફડી રહ્યા છે.
‘સેટરડે મોનિટર’માં પ્રસિદ્ધ લેખ અનુસાર કર્નલ નાકાલેમા અથવા નિમિષાબહેને અખબાર સાથે વાતચીત કરવાની કોઈ તૈયારી દર્શાવી નથી. મિસ નાકાલેમાએ તપાસમાં પ્રગતિ સંદર્ભે વારંવારના ફોન કોલ્સ અને મેસેજિસનો કોઈ ઉત્તર પાઠવ્યો નથી.

પરિવારમાં સંપત્તિ મુદ્દે લડાઈ નવી નથી

માધવાણી પરિવારના સભ્યોમાં સંપત્તિ મુદ્દે લડાઈ આજકાલની નથી. એપ્રિલ ૧૯૮૯માં લોસ એન્જલસ ટાઈમ્સ દ્વારા પ્રકાશિત ‘Powerful Dynasty: All in the Family Feud Rips Uganda’ લેખમાં ઈદી અમીન શાસનની પડતી પછી માધવાણી પરિવારના બિઝનેસમાં મોટા પાયે સર્જાયેલા મતભેદો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
મિસ મીનાબહેન અને નીતિન સામે યુગાન્ડા પાછા ફરીને પરિવારની મિલકતો પર તેમનો અંકુશ રહે તેવી સમજૂતી પ્રેસિડેન્ટ મિલ્ટન ઓબોટે સાથે કરી હોવાનો આક્ષેપ માધવાણી બંધુઓએ લગાવ્યો હતો. અન્ય ભાઈઓએ આ પગલાંનો વિરોધ કર્યો હતો અને પરિણામ સ્વરુપે ૧૯૮૫માં થયેલી સમજૂતી મુજબ માધવાણી બંધુઓમાં સૌથી યુવાન મયૂરભાઈ અને સૌથી મોટા મનુભાઈએ જિન્જા ડિસ્ટ્રિક્ટના કાકિરાસ્થિત સુગર ફેક્ટરી પર કાબુ મેળવ્યો હતો જ્યારે, બાકીની મિલકતો મીનાબહેન માધવાણી અને તેમના પુત્ર નીતિનને પુનર્વસન માટે મળી હતી.
જોકે, પરિવારે પાછળથી મીનાબહેન અને નીતિન આ કામગીરીમાં નિષ્ફળ ગયાનો આક્ષેપ લગાવ્યો હતો. મનુભાઈના પુત્ર કમલેશ માધવાણીએ તે સમયે એમ કહ્યું હતું કે, ‘તેઓ (મીનાબહેન) મોરચાની આગળ હતા અને આ કંપનીઓ બરાબર ચાલતી ન હતી તેમજ પરિવારના અન્ય સભ્યોને યોગ્ય ભૂમિકા ભજવવાની છૂટ અપાઈ ન હતી.’ નીતિન માધવાણીની હાજરી સાથેની જાન્યુઆરી ૧૯૮૯ની બોર્ડ મીટિંગમાં પરિવારે તમામ કંપનીઓને મૂળજીભાઈ માધવાણી એન્ડ કંપનીના છત્ર હેઠળ મૂકી અને તેમની કામગીરી સંભાળવા એક્ઝિક્યુટિવ્ઝની નિમણૂકો કરી હતી. મીનાબહેને આ ઘટનાક્રમ માટે મનુભાઈ માધવાણીને દોષિત ઠરાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, ‘તમામ સંપત્તિનો વિનાશ થયો હતો અને જે બાકી હતું એ તેઓ હડપી લેવા માગતા હતા... ૧૯૮૫માં અમે તેમને કાકિરા (સુગર એસ્ટેટ) ચલાવવા દેવાની સંમતિ આપી હતી કારણ કે તેનાથી તેઓ શાંત થાય તેવી આશા હતી. હવે મને લાગે છે કે મેં તેમના પર વધુપડતો વિશ્વાસ મૂક્યો હતો.’

(આ રિપોર્ટ ‘સેટરડે મોનિટર’ના ૮ ઓગસ્ટ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત કમ્પાલાના પત્રકાર ઇસાક મુફુમ્બાના અહેવાલ આધારિત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter