લંડનઃ પ્રિન્સ હેરીએ ફરી એક વખત બ્રિટિશ શાહી પરિવાર સામે આક્ષેપ કર્યો છે કે તેની અને મેગનની માનસિક આરોગ્યની અવસ્થા પ્રત્યે પરિવારે દુર્લક્ષ સેવ્યું હતું. ચેટ ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે પોતાના નવા AppleTV+ ડોક્યુમેન્ટરી શો ‘ધ મી યુ કાન્ટ સી’માં પ્રિન્સ હેરીએ જણાવ્યું છે કે મેગને જ્યારે તેના આત્મઘાતી વિચારો વિશે જણાવ્યું ત્યારે પરિવારે તેને અને મેગનને દેશ છોડી જતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાની ત્રીસીમાં વધુપડતા શરાબપાન અને ડ્રગ્સની લત વિશે પણ જણાવ્યું હતું.
હેરીએ આ સીરિઝમાં માતા પ્રિન્સેસ ડાયેનાના મોતનું દુઃખ ભુલાવવા શરાબ અને ડ્રગ્સનો સહારો લીધાની પણ કબૂલાત કરી હતી જેની સારવાર ચાર વર્ષ ચાલી હતી. તેણે કહ્યું હતું કે પરિવારે તેની લાગણીઓ વિશે ચર્ચા નકારી હતી અને તેણે લાગણીઓ છુપાવવી પડી હતી. પ્રિન્સે એમ પણ કહ્યું હતું કે મેગનને મદદરુપ થવાની પરિવારની અક્ષમતા તેમના દેશ છોડવાના મુખ્ય કારણોમાં એક હતું. તેને ઈતિહાસના પુનરાવર્તન અને મેગનને ગુમાવી દેવાનો ડર લાગ્યો હતો.
પ્રિન્સ હેરીએ તે ચૂપ રહેશે નહિ તેમ કહેવા સાથે એવો પણ દાવો કર્યો હતો કે પિતા પ્રિન્સ ચાર્લ્સે બાળક તરીકે તેને ભારે પીડા આપી હતી. ડ્યૂક ઓફ સસેક્સે ‘ધ મી યુ કાન્ટ સી’ શોમાં કહ્યું છે કે તેના સગાંએ તેને અને પત્નીને તરછોડ્યાં હોવાની લાગણી જ ગયા વર્ષે યુકે છોડીને કેલિફોર્નિયા આવવાનું એક કારણ હતું. તેણે કહ્યું હતું કે,‘મેં વિચાર્યું હતું કે મારો પરિવાર મદદ કરશે પરંતુ, દરેક વિનંતી, માગણી કે ચેતવણી, બધાનો જવાબ સંપૂર્ણ મૌનમાં, સંપૂર્ણ ઉપેક્ષામાં જ મળ્યો. અમે ત્યાં રહેવા અને અમારી ભૂમિકા બજાવવા શક્ય તમામ પ્રયાસો કર્યા હતા.’
હેરીએ તેની છ મહિનાની સગર્ભા પત્ની મેગને તેના આત્મઘાતી વિચારો જણાવ્યાં હતાં. જોકે, હેરીને જીવનમાં બીજી સ્ત્રીને ગુમાવવી ન પડે તે માટે આ પગલું ભર્યું ન હતું. ડ્યુકે જણાવ્યું હતું કે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હતું. પ્રિન્સેસ ડાયેનાનું ૧૯૯૭માં મૃત્યુ થયું ત્યારે ઈજિપ્શિયન ડોડી ફાયેદ સાથે તેના સંબંધો હતા. મારી માતાને તેના મોત સુધી પીછો કરાયો કારણકે તેણે બિનગોરી વ્યક્તિ સાથે સંબંધો બાંધ્યા હતા. હવે શું થયું તે જુઓ. મારા જીવનમાં બીજી સ્ત્રીને ગુમાવવી પડે તેવી સ્થિતિ આવી હતી.
હેરીએ પાંચ ભાગની સીરિઝનો ઉપયોગ પિતા દ્વારા બાળઉછેર અને ક્વીને કેવી રીતે તાર્લ્સનો ઉછેર કર્યો તેની ટીકાઓના પુનરાવર્તન માટે કર્યો છે. હેરીએ કહ્યું હતું કે,હું નાનો હતો ત્યારે મારા પિતા મને અને વિલિયમને એમ કહેતા કે મારા માટે જે કરાયું છે તે જ હું તમારા માટે પણ કરી રહ્યો છું. આનો કોઈ અર્થ નથી. જો તમે સહન કર્યું હોય તેનો અર્થ એવો નથી કે તમારા બાળકોએ પણ સહન કરવું પડે. ખરેખર તો આનાથી વિપરીત હોવું જોઈએ.’ હેરીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ વિષચક્ર તોડવા માટે જ તેણે ફ્રન્ટલાઈન રોયલની ભૂમિકા છોડવી પડી હતી.