લંડનઃ ઈરાન યુદ્ધની વિષમ અસરોના પરિણામે મતદાતાઓના બજેટ ખોરવાઈ રહ્યાં હોવાની ચિંતાથી સરકારમાં પણ ખળભળાટ મચ્યો છે અને ચાન્સેલર રાચેલ રીવ્ઝ પ્રાઈવેટ સેક્ટરના ઘરો પર એક વર્ષનું ભાડું સ્થગિત કરવાનું વિચારી રહ્યાં છે. આગામી સપ્તાહોમાં કોસ્ટ ઓફ લિવિંગ સંદર્ભે મહત્ત્વના પેકેજની ચર્ચા સરકારમાં ચાલી રહી છે. આ દરખાસ્તોમાં ઈન્ગ્લેન્ડના મકાનમાલિકોને મર્યાદિત સમય સુધી ભાડુ વધારવા પર પ્રતિબંધ લગાવવાનો સમાવેશ થાય છે. જોકે, ટ્રેઝરીએ અટકળો પર કોમેન્ટ આપવાનું નકાર્યું હતું.
આ પગલું ચાન્સેલર રીવ્ઝ માટે મોટી પીછેહઠ ગણાશે જેમણે રેન્ટ કન્ટ્રોલ સહિતના પગલાનો વિરોધ કર્યો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર મિનિસ્ટર્સ હવે ઈરાન યુદ્ધની મોર્ગેજીસ અને પરિવારોના બજેટ્સ પર થનારી અસરોથી ચિંતિત છે. સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીને ભારે નુકસાનની શક્યતા, નબળા દેખાઈ રહેલા પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર તેમજ ઈન્ફ્લેશનમાં વધારાની આગાહીના કારણોસર મિનિસ્ટર્સ મતદારો માટે કોસ્ટ ઓફ લિવિંગમાં રાહતના તત્કાળ માર્ગો વિચારી રહ્યા છે.
કેટલાક નિષ્ણાતોના મતે રેન્ટ કન્ટ્રોલથી પોસાવાની ક્ષમતા વધી શકે છે જ્યારે કેટલાકના મતે પ્રાઈવેટ સેક્ટરના ભાડાં પર નિયંત્રણોથી ડેવલપર્સ હાઉસિંગના નિર્માણમાં આગળ વધવા તૈયાર નહિ થાય. સરકારમાં ચર્ચાઓ પ્રાથમિક સ્તરે છે પરંતુ, ચાન્સેલર હાઉસિંગ કોસ્ટ નીચી રાખવા રેન્ટલ માર્કેટ્સમાં સંખ્યાબંધ હસ્તક્ષેપ વિશે વિચારી રહ્યાં છે. તેમની પાસે સારો વિકલ્પ એક વર્ષ સુધી રેન્ટ ફ્રીઝનો છે. ડેવલપર્સની નવી સ્કીમ્સ પર કામ કરવાને પ્રોત્સાહિત કરવા તેઓ નવનિર્મિત પ્રોપર્ટીઝને રેન્ટ ફ્રીઝમાંથી મુક્તિ આપી શકે છે.


