લંડનઃ વિઝા માટે ઈંગ્લિશ લેંગ્વેજ પરીક્ષાઓમાં છેતરપીંડી આચરી હોવાનો આરોપ ધરાવતા ૩૬,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા રદ કરવાના નિર્ણય બદલ બ્રિટિશ હોમ ઓફિસ તપાસના દાયરામાં આવી છે. પરીક્ષા ફ્રોડની તપાસ ૨૦૧૪માં શરુ કરાયાં પછી હોમ ઓફિસે ૧૦૦૦થી વધુ લોકોને દેશનિકાલ પણ કરી દીધાં છે. હવે વોચડોગ નેશનલ ઓડિટ ઓફિસ (NAO) બ્રિટિશ હોમ ઓફિસના નિર્ણયની તપાસ આરંભશે. હોમ ઓફિસે પણ તપાસમાં સહકાર આપવાનું જણાવ્યું છે. NAO દ્વારા જણાવાયું છે કે હોમ ઓફિસે છેતરપીંડીના પુરાવા હોય ત્યાં સ્ટુડન્ટ વિઝા રદ કર્યા છે પરંતુ, વિન્ડરશ કૌભાંડના પગલે તેના નિર્ણયો જાહેર અને સંસદીય તપાસના દાયરામાં આવ્યાં છે.
બીબીસી પેનોરમા કાર્યક્રમની તપાસ અંતર્ગત તત્કાલીન સરકાર દ્વારા માન્ય ‘ટેસ્ટ ઓફ ઈંગ્લિશ ફોર ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન (TOEIC)ની ફરજિયાત પરીક્ષા લેવાતી હતી તેવાં બે કેન્દ્રમાં છેતરપીંડીનું કૌભાંડ બહાર આવ્યું હતું. તત્કાલીન હોમ સેક્રેટરી થેરેસા મેએ એક્ઝામ્સ લેતી યુએસની પેઢી ‘એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ’ને ૨૦૧૧-૨૦૧૪ના ગાળામાં લેવાયેલી ૫૮,૦૦૦થી વધુ પરીક્ષાની ચકાસણીનું કાર્ય સોંપ્યું હતું. ચકાસણીમાં ૩૦,૦૦૦થી વધુ કેસમાં સાચા પરીક્ષાર્થીના બદલે અન્ય લોકોએ પરીક્ષા આપી હોવાનું ખાસ સોફ્ટવેર દ્વારા પકડાયું હતું.
હોમ ઓફિસના નિર્ણયના પગલે સંખ્યાબંધ વિદ્યાર્થીની હાલત ‘ન ઘરનાં કે ન ઘાટનાં’ જેવી થઈ છે. પોતાની વિરુદ્ધ ખોટાં આરોપો લગાવાયાં હોવાનું માનતાં વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ સારાં શિક્ષણ અને ભવિષ્ય માટે બ્રિટન આવ્યાં હતાં પરંતુ, તેમને અપીલની કોઈ તક આપ્યાં વિના જ છેતરપીંડીના આરોપી ઠરાવી દેવાયાં છે. તેઓ કોઈ કામ કરી શકતાં નથી કે NHSમાં ફ્રી સારવાર મેળવી શકતાં નથી.
ફાતેમા ચૌધરી બાંગલાદેશથી ૨૦૧૦માં યુકે આવી હતી અને તેણે ૨૦૧૪માં યુનિવર્સિટી ઓફ લંડનમાં કાયદાની ડીગ્રી મેળવી હતી. તેને છેતરપીંડીના આરોપસર એક સપ્તાહ અટકાયતમાં લેવાઈ હતી. ફાતેમાને યુકે છોડવાં જણાવાયું નથી પરંતુ, તેને કામ કરતાં અટકાવાઈ છે. તે NHSમાં ફ્રી સારવાર મેળવી શકતી નથી. ગયા વર્ષે તેની પાસેથી ડિલિવરીનાં ૧૪,૦૦૦ પાઉન્ડ વસૂલ કરાયાં હતાં. ચાર વર્ષ પછી પણ પોતાને નિર્દોષ સાબિત કરી શકાય તેવી કોઈ આશા તેને રહી નથી. તેની કથિત છેતરપીંડીના પુરાવા પણ તેને જોવાં દેવાયાં નથી. આવી જ પરિસ્થિતિ બાંગલાદેશના ૨૯ વર્ષીય વાહિદ રહેમાનની છે.
સ્કોટલેન્ડમાં રહેતી ભારતીય યુવતી નિધિન ચાંદે છેતરપીંડીના આક્ષેપોમાંથી નિર્દોષ ઠરાવવાની પોતાની લડત વિશે બીબીસી સ્કોટલેન્ડ સમક્ષ વાત કરી હતી. તેણે ઈંગ્લિશ લેંગ્વેજની પરીક્ષામાં પોતાના બદલે અન્યનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. તે કહે છે કે કોઈ તમને જૂઠાં કહે અને લોકોની સામે તમારી ધરપકડ કરે તે પીડાદાયી હોય છે.
બીજી તરફ, હોમ ઓફિસે જણાવ્યું છે કે તે સાચા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકારે છે અને યુકેમાં અભ્યાસ માટે આવવામાં કોઈ સંખ્યાકીય મર્યાદા નથી. વોચડોગ દ્વારા તપાસ બાબતે હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ નેશનલ ઓડિટ ઓફિસની તપાસમાં સહકાર આપી રહ્યા છે અને તેનો રિપોર્ટ પ્રસિદ્ધ થયાં પછી તારણો વિશે વિચાર કરશે.
ઈસ્ટ હામના લેબર પાર્ટીના સાંસદ સ્ટીફન ટિમ્સે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર ખરાબ રહ્યો છે. હોમ ઓફિસે તેમને વિશ્વસનીય ઈંગ્લિશ ટેસ્ટ આપવાની પરવાનગી આપવી જોઈએ. જો તેઓ નાપાસ થાય તો ઠીક છે પરંતુ, પાસ થાય તો તેઓ અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે તેમને વિઝા પરત કરવા જોઈએ.


