લંડનઃ કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલના રોજ પર્યટકો પર જધન્ય આતંકવાદી હુમલાના બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં પડ્યાં છે. બ્રિટિશ ભારતીય સમુદાયે આ હુમલા સામે પ્રચંડ રોષની લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન સ્ટાર્મરથી માંડીને લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ ધૃણાસ્પદ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કઢાયું હતું.
લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે શોકની આ ઘડીમાં અમે ભારતની પડખે ઊભા છે. આતંકના આ પ્રકારના કૃત્ય લોકશાહી અને શાંતિને મૂલ્યોને પરાજિત કરી શકશે નહીં. ચેરમેન રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે ભારે આઘાત અને દુઃખ અનુભવી રહ્યો છું. હું પીડિત પરિવારોને દિલસોજી પાઠવું છું.
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શાંતિસભર સમાજમાં હિંસાને કોઇ સ્થાન નથી. અમે અસરગ્રસ્ત પરિવારોની સાથે છીએ.
ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલે હુમલાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, હુમલાના કાવતરાખોરો સામે કડક હાથે કામ લેવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે. આ પ્રકારનો કુયુક્તિયુક્ત એજન્ડા ક્યારેય સફળ થઇ શકવાનો નથી. કાવતરાખોરોને જવાબદાર ઠેરવવા જ જોઇએ.
બ્રિટિશ ઇન્ડિયન વોઇસે જણાવ્યું હતું કે, અમે આપણા હિન્દુ ભાઇઓ અને બહેનોના નિધન પર શોક મનાવી રહ્યાં છીએ. આતંકવાદીઓ અમારા આત્માને ક્યારેય મારી શક્શે નહીં. અમે એકજૂથ થઇ વધુ મજબૂત બનીને ઉભરી આવીશું.
ઇનસાઇટ યુકેએ નરસંહારને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, આ હુમલામાં વીણી વીણીને હિન્દુઓને લક્ષ્યાંક બનાવવામાં આવ્યાં છે. અમારી પ્રાર્થના અસરગ્રસ્તોની સાથે છે.