લંડનઃ યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં બ્રિટિશ જનતા વતી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં જધન્ય આતંકવાદી હુમલાથી હું ઘણો ભયભીત થયો હતો. બંને નેતા એકબીજાના સંપર્કમાં રહેવા સહમત થયાં હતાં.
યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 28 પ્રવાસીઓ માટે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી આતંકી કૃત્ય સામે રોષ પ્રગટ કર્યો હતો.
સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં સુનાકે જણાવ્યું હતું કે, પહલગામમાં જંગલિયાતભર્યા હુમલાએ નવપરણિતો, બાળકો અને પરિવારોના જીવનો છીનવી લીધાં છે. હાલ શોક મનાવી રહેલા પીડિતો સાથે યુકે સંપુર્ણ સહાનુભૂતિ સાથે ઊભો છે. આતંકવાદનો ક્યારેય વિજય થવાનો નથી. અમે ભારત સાથે શોક મનાવી રહ્યાં છીએ.