લંડનઃ પહેલી ઓક્ટોબર 2026થી એનઆરઆઇ માટે ભારતમાં સ્થિત મિલકતનું વેચાણ સરળ બનવા જઇ રહ્યું છે. એનઆરઆઇ પાસેથી મિલકત ખરીદનાર ભારતીયો માટે દસ્તાવેજી કામગીરી સરળ બનાવવામાં આવી છે. જોકે, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) સંબંધિત જવાબદારી યથાવત રહેશે અને ખરીદદારોએ ટેક્સ નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. આ ફેરફારનો અર્થ એ નથી કે NRI પાસેથી મિલકત ખરીદવા પર TDS નાબૂદ કરવામાં આવ્યો છે. ખરીદદારે નક્કી કરેલા દર મુજબ યોગ્ય સમયે TDS કાપવો, તેને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સરકારમાં જમા કરાવવો અને તેની વિગતો દાખલ કરવી પહેલાની જેમ જ ફરજિયાત રહેશે. આ સુધારો આવકવેરા કાયદાને સરળ બનાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે, જેનાથી ખરીદદારો માટે વહીવટી પ્રક્રિયાઓનો બોજ ઓછો થશે.
નવા નિયમ હેઠળ શું બદલાશે?
- TAN માંથી મુક્તિઃ 1 ઓક્ટોબર 2026થી જો કોઈ ભારતીય નાગરિક કે હિન્દુ અવિભક્ત કુટુંબ NRI પાસેથી જમીન, મકાન કે અન્ય સ્થાવર મિલકત ખરીદે છે, તો તેણે TDS કાપવા માટે અલગથી ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર (TAN) લેવો પડશે નહીં.
- PAN નો ઉપયોગઃ હવે ખરીદદારો પોતાના પરમનન્ટ એકાઉન્ટ નંબર (PAN)નો ઉપયોગ કરીને જ TDS કાપી શકશે, ટેક્સ જમા કરાવી શકશે અને તેની જરૂરી માહિતી આપી શકશે. PAN આધારિત ચલન-કમ-સ્ટેટમેન્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરીને TDS પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.


