લંડનઃ એનર્જી રેગ્યુલેટર ઓફજેમ દ્વારા પહેલી જુલાઇથી જુલાઇ-સપ્ટેમ્બર માટે એનર્જી પ્રાઇસ કેપ ઘટાડીને 2074 પાઉન્ડ પ્રતિ વર્ષ કરાતાં એનર્જી બિલમાં 17 ટકાનો ઘટાડો થશે. છેલ્લા કેટલાક સમયથી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાતી બ્રિટિશ જનતા માટે આ એક બહુ મોટી રાહતના સમાચાર છે. ઓક્ટોબર 2022થી પરિવારો વીજળીના વપરાશ માટે રેકોર્ડ કિંમત ચૂકવી રહ્યાં છે. ઓફજેમે જણાવ્યું હતું કે, ગેસ અને વીજળીની જથ્થાબંધ કિંમતોમાં ઘટાડાના પગલે એનર્જી પ્રાઇઝ કેપમાં ઘટાડો કરાતાં પહેલી જુલાઇથી વીજળીના બિલમાં ઘટાડો થશે.
માર્ચથી જૂન 2023 વચ્ચેની એનર્જી પ્રાઇસ કેપ 3280 પાઉન્ડ રહી હતી. તેનો અર્થ એ થયો કે જુલાઇથી પ્રાઇસ કેપમાં 1206 પાઉન્ડનો ઘટાડો થશે જેના પગલે સરેરાશ વીજળીના બિલમાં 426 પાઉન્ડ પ્રતિ વર્ષનો ઘટાડો થશે.
ઓફજેમના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથાન બ્રિઅર્લીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો માટે આકરો શિયાળો રહ્યાં બાદ હવે માર્કેટ સ્થિર થઇ રહ્યું છે અને કિંમતો ઘટાડાની દિશામાં આગળ વધી રહી છે તે સારા સંકેત છે. જોકે અમે જાણીએ છીએ કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે લોકો માટે આટલી એનર્જી પ્રાઇસ કેપ પણ ઘણી મુશ્કેલ છે. ઘણા લોકો એનર્જી બિલની ચૂકવણીમાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે. બ્રિઅર્લીએ ચેતવણી આપી હતી કે વીજળીની કિંમતો એનર્જી ક્રાઇસિસ પહેલાંના સ્તરે પહોંચવાની કોઇ સંભાવના નથી.
સરકાર દ્વારા 2019થી એનર્જી પ્રાઇસ કેપ લાગુ કરાઇ હતી જેના આધારે સપ્લાયર પ્રતિ યુનિટ ગેસ અને વીજળીની કિંમતો નક્કી કરે છે. રશિયાના યુક્રેન પરના હુમલા બાદ ગેસ અને વીજળીની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી હતી. જેના કારણે સરેરાશ પરિવારે ઓક્ટોબર 2022થી 3549 પાઉન્ડ, જાન્યુઆરી 2023થી 4279 પાઉન્ડ અને એપ્રિલ 2023થી 3280 પાઉન્ડ પ્રતિ વર્ષના આધારે બિલ પેટે ચૂકવવા પડ્યા હતા.
વીજળી અને ગેસ માટે સરકાર દ્વારા અપાતી સહાય બંધ થશે
ગ્રાહકોને વીજળી અને ગેસની આગ દઝાડતી કિંમતોમાં રાહત આપવા માટે સરકાર દ્વારા સહાય આપવાનો પ્રારંભ કરાયો હતો જેના પગલે કોઇ ગ્રાહકને 2500 પાઉન્ડ પ્રતિ વર્ષથી વધુનું બિલ ચૂકવવાનું આવતું નહોતું. જોકે હવે એનર્જી પ્રાઇઝ કેપ એનર્જી પ્રાઇસ ગેરેંટીના સ્તરથી નીચે જવાની છે જેના પગલે સરકાર દ્વારા અપાતી તમામ પ્રકારની સહાય બંધ કરી દેવાશે.


