લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ટેક્સ રાહતોના અંત સાથે બીજા મકાન પર સ્ટેમ્પ ડ્યૂટી લાદવાના છે તેવી પરિસ્થિતિમાં મકાનમાલિકો હસ્તકની પાંચ લાખ જેટલી બાય ટુ લેટ પ્રોપર્ટીઝ આગામી ૧૨ મહિનામાં બજારમાં વેચાણ માટે આવવાની શક્યતા છે.
ચાન્સેલર ઓસ્બોર્ને પ્રથમ વખત ઘર ખરીદનારા વર્ગ માટે હાઉસિંગ બજારને મુક્ત કરવાના પગલારુપે મકાનમાલિકોને અપાતી સંખ્યાબંધ ટેક્સ રાહતો બંધ કરવા અને બાય ટુ લેટ મકાનો પર દંડાત્મક સ્ટેમ્પ ડ્યૂટીની પેનલ્ટીઝ લાદવાની યોજનાઓ જાહેર કર્યા પછી મકાનમાલિકોમાં ગભરાટ છવાયો છે. આના પગલે નેશનલ લેન્ડલોર્ડ્સ એસોસિયશને (NLA) ૨૦૨૧ સુધી દર વર્ષે વધારાની ૧૦૦,૦૦૦ પ્રોપર્ટી વેચાણમાં આવવાની આગાહી કરી છે. NLA ના સર્વે અનુસાર જુલાઈ ૨૦૧૫ પછી એક વર્ષમાં મકાન વેચવા ઈચ્છતા મકાનમાલિકોની સંખ્યા વધીને ૧૯ ટકા થઈ છે.
જોકે, એસોસિયેશનના સીઈઓ રિચાર્ડ લેમ્બર્ટે કહ્યું છે કે, બજારમાં એક-બે બેડરૂમના ફ્લેટ્સ કે નાના મકાનો જેવી પ્રોપર્ટી વેચાણ માટે આવશે, જેનાથી ફર્સ્ટ ટાઈમ બાયર્સ આકર્ષાય તેની ખાતરી નથી કારણકે મકાનમાલિકો ઓછાં આકર્ષક વિસ્તારોમાં મકાનો વેચાણમાં મૂકશે. લોકો આ મકાનો ખરીદે નહિ અને ભાડે આપવાલાયક પ્રોપર્ટી ઘટી જશે તો હાલત ખરાબ થશે. ઓસ્બોર્ને ગત નવેમ્બરમાં પહેલી એપ્રિલ ૨૦૧૬થી અમલી બને તે રીતે વધારાની પ્રોપર્ટી ખરીદવા પર ત્રણ ટકાની સરચાર્જ સ્ટેમ્પ ટ્યૂટી જાહેર કરી છે


