લંડનઃ પાંચ વર્ષ પહેલાં લાપતા બનેલો ઇસ્માઇલ અલી ગયા સપ્તાહમાં પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી. પોલીસ વિભાગે તેને મૃત માની લીધો હતો અને તેની હત્યા થઇ હોવાની શંકાના આધારે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. વેસ્ટ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે, ઇસ્માઇલ અલીએ પોલીસ સ્ટેશનમાં હાજર થઇને જણાવ્યું હતું કે તે સુરક્ષિત છે. 2020માં ગૂમ થયેલા અલીની હત્યા થઇ હોવાનું માની પોલીસે 3 મહિલા અને બે પુરુષની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ઇસ્માઇલ અલી કેવા સંજોગોમાં લાપતા બન્યો તેની અમે તપાસ કરી રહ્યાં છીએ. ઇસ્માઇલ સુરક્ષિત હોવાની જાણ તેના પરિવારને કરી દેવાઇ છે. બીજીતરફ અલીની હત્યાના શંકાસ્પદોની પ્રોપર્ટીમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી. તેમના પર મની લોન્ડરિંગના આરોપ પણ લગાવાયા હતા અને હાલ તેઓ જામીન પર મુક્ત છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

