લંડન
યુકેમાં પહેલીવાર પાંચ વર્ષથી નાના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. જોઇન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા 6 મહિનાથી 4 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની સલાહ આપી છે.
આમ તો કોરોના વાઇરસને કારણે ગંભીર બિમાર થવાનું જોખમ બાળકો પર ઓછું રહે છે પરંતુ જે બાળકો બિમારીથી પીડાતા હોય તેઓને કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ સાત ગણું વધી જાય છે. વાલીઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે હજુ કોરોના વાઇરસનું જોખમ ટળ્યું નથી તેથી તેઓ તેમના બાળકોને રસી અપાવે.
કમિટીના ચેરમેન પ્રોફેસર વેઇ શેન લિમે જણાવ્યું હતું કે, મોટાભાગના નવજાત અને નાના બાળકોમાં કોરોનાના હળવા લક્ષણ જ દેખાય છે. જોકે બાળપણથી જ કેટલીક બિમારી ધરાવતા બાળકોને તેની ગંભીર અસર થઇ શકે છે તેથી તેમને રક્ષણ આપવા માટે રસી જ શ્રેષ્ઠ ઉપાય છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના ડો. મેરી રામસેએ જણાવ્યું હતું કે, કોરોનાનો વાઇરસ હજુ સક્રિય છે. દર સપ્તાહે હજારો કેસ સામે આવી રહ્યાં છે. ક્લિનિકલ રિસ્ક ગ્રુપમાં આવતા બાળકો માટે રસી મહત્વની બની જાય છે. તેથી હું વાલીઓને તેમના બાળકને રસી અપાવવાની ભલામણ કરું છું. તેઓ સ્થાનિક આરોગ્ય નિષ્ણાતોનો સંપર્ક કરી શકે છે.


