પાંચ વર્ષથી નાના બાળકોનો સ્ક્રીન ટાઇમ પ્રતિ દિવસ 1 કલાક જ હોવો જોઇએ

બે વર્ષથી નાના બાળકોને એકલા ટીવી કે મોબાઇલ જોવા દેવા જોઇએ નહીં, હાઉસ ઓફ લોર્ડ્સ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની તરફેણમાં

Tuesday 31st March 2026 10:27 EDT
 
 

લંડનઃ સરકાર દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર પાંચ વર્ષથી નાના બાળકોનો સ્ક્રીન ટાઇમ પ્રતિ દિવસ એક કલાક જેટલો જ હોવો જોઇએ જ્યારે બે વર્ષ કરતાં નાના બાળકોને એકલા ટેલિવિઝન કે મોબાઇલ ફોન જોવા દેવા જોઇએ નહી. સરકારે વાલીઓને બને ત્યાં સુધી બાળકોની સાથે બેસીને સ્ક્રીનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સરકારે સ્ક્રીનના સ્થાને બાળકો સાથે વાર્તાઓ વાંચવા અથવા તો ભોજનના સમયે સરળ રમતો રમવાની પણ સલાહ આપરી છે.

એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને જણાવ્યું છે કે પ્રાથમિક પુરાવાઓના આધારે આ માર્ગદર્શિકા તૈયાર કરાઇ છે પરંતુ વધુ પુરાવા સામે આવશે તો તેની વધુ સમીક્ષા કરાશે. આ મુદ્દો ઘણી રીતે અસ્પષ્ટ છે અને તેથી અમે સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યાં છીએ.

પુરાવાના આધારે સરકાર દ્વારા કરાયેલી સમીક્ષામાં સામે આવ્યું હતું કે, બાળકો એકલા સ્ક્રીન ટાઇમ વીતાવે છે તેના કારણે તેમની ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિઓ પર અસર પડે છે. આ બંને બાબતો તેમના વિકાસ માટે અત્યંત મહત્વની છે.

યુકેમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપયોગ પર પ્રતિબંધ લાદવાના પ્રસ્તાવને હાઉસ ઓફ લોર્ડ્સે ફરી એકવાર સમર્થન આપ્યું છે. સંસદના ઉપલા ગૃહે સરકારને બાળકોને સુરક્ષા આપવાની દિશામાં ઝડપથી કામ કરવાની પણ અપીલ કરી છે.

ચીલ્ડ્રન્સ વેલબિઇંગ એન્ડ સ્કૂલ્સ બિલમાં પૂર્વ કન્ઝર્વેટિવ મિનિસ્ટર લોર્ડ નાશે રજૂ કરેલા સુધારાની તરફેણમાં 266 વિરુદ્ધ 141 મત પડ્યાં હતાં. આ બીજીવાર છે જેમાં હાઉસ ઓફ લોર્ડસે સરકારને આ મુદ્દે આંચકો આપ્યો છે. સરકાર દ્વારા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ પર નિર્ણય લેવા સરકારને 12 મહિનાનો સમય અપાય.

ટેકનોલોજી મિનિસ્ટર બેરોનેસ લોયડ ઓફ એફ્રાએ જણાવ્યું હતું કે, અમે યુકેમાં પણ ઓસ્ટ્રેલિયા જેવા પ્રતિબંધ માટે જનમત લેવા માગીએ છીએ. એવું નથી કે અમે પગલાં લઇશું કે નહીં પરંતુ સવાલ એ છે કેવા પ્રકારના પગલાં લેવાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter