લંડનઃ પાંચ વર્ષના અશ્વેત બ્રિટિશ બાળકે હોમ ઓફિસ સામે હાઈ કોર્ટમાં કાનૂની કાર્યવાહી આદરી છે. આ બાળકે દલીલ કરી છે કે જાહેર વેલ્ફેર સેફ્ટી નેટની સુવિધાનો ઈનકાર તેના જેવા પરિવારો માટે રંગભેદી ભેદભાવ સર્જે છે.
આ બાળક વતી કોર્ટમાં રજૂઆત કરનારા વકીલોએ જણાવ્યું હતું કે હોમ ઓફિસની કેટલાક માઈગ્રન્ટ્સ જૂથોને બેનિફિટ્સનો ઈનકાર કરતી ‘નો રીકોર્સ ટુ પબ્લિક ફંડ્સ (NRPF)’ પોલિસી ગેરકાયદે છે કારણકે માઈગ્રન્ટ્સ પેરન્ટ્સના બાળકો ઘરવિહોણી, ભૂખ્યાં રહેવું અને ગરીબી સામે રક્ષણ મેળવી શકતાં નથી. આ સમૂહોના બાળકોને બેનિફિટિસ નકારતી પોલિસી ‘અશ્વેત બ્રિટિશ બાળકોનો નિમ્નવર્ગ’ સર્જે છે.
આ કેસમાં બ્રિટનમાં જન્મેલા બાળકની માતા ઝિમ્બાબ્વેની છે જે ૨૦૦૪માં યુકે આવી હતી અને તેને દેશમાં રહેવાનગી પરવાનગી મળેલી છે. તે બાળકો અને યુવા લોકોને સપોર્ટ કરતી ચેરિટીમાં નીચા વેતનની ઝીરો અવર્સની કોન્ટ્રાક્ટ નોકરી કરે છે. ગયા વર્ષે લોકડાઉનમાં તેના બાળકની શાળાનો સમય ઘટાડી દેવાયો ત્યારે તે કામ પર જઈ શકતી ન હતી. તે સગર્ભા હતી ત્યારે ઘરવિહોણી પણ હતી.
બાળકના વકીલોએ જણાવ્યું હતું કે રંગીન ત્વચાના લોકો પર NRPFની અસર પર દેખરેખ રાખવામાં નિષ્ફળતા સાથે હોમ સેક્રેટરીએ વિદેશી પેરન્ટ્સના બ્રિટિશ બાળકો સાથે સમાનતાને પ્રાત્સાહિત કરવાની કાનૂની જવાબદારીનું ઉલ્લંઘન કર્યું છે.
કોર્ટ સમક્ષના દસ્તાવેજો અનુસાર ૨૦૧૨માં શરુ કરાયેલી NRPF પોલિસી હેઠળના ૮૦ ટકા માઈગ્રન્ટ્સ એશિયન અથવા આફ્રિકન હોવાનું હોમ સેક્રેટરીએ સ્વીકારેલું છે. તેમાંથી ઘણા વેસ્ટ આફ્રિકાના દેશો અથવા ભારત, પાકિસ્તાન કે બાંગલાદેશમાંથી આવે છે. આ પોલિસીને સંખ્યાબંધ કાનૂની પડકારો અપાયા છે.

