પાંચ વર્ષની બેલા-જય વિશ્વની સૌથી નાની લેખિકા

Sunday 06th March 2022 07:01 EST
 
 

લંડનઃ ડોરસેટના વેમાઉથની રહેવાસી પાંચ વર્ષીય બ્રિટિશ બાળા બેલા-જય ડાર્કે વિશ્વની સૌથી નાની વયની લેખિકા બનવાનું બહુમાન મેળવ્યું છે. તેણે લખેલાં પ્રથમ પુસ્તક ‘લોસ્ટ કેટ’ની કોપીઓ 4 પાઉન્ડની કિંમતે વેચાઈ રહી છે. અને જો તેના પુસ્તકની 1000 પ્રત વેચાશે તો તેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ થઇ જશે. અત્યારે આ વિશ્વવિક્રમ ભારતની અભિજિતા ગુપ્તાના નામે નોંધાયેલો છે. તેણે સાત વર્ષની વયે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
બેલા-જય ડાર્કનું પુસ્તક ‘લોસ્ટ કેટ’ પોતાની માતા વિના ફરતાં ફરતાં ભટકી ગયેલાં બિલાડીના બચ્ચાં વિશે છે. બેલાએ ગયા વર્ષે પરિવાર સાથેની વાતચીતમાં પુસ્તક લખવાની ઈચ્છા વિશે કહ્યું તો બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. 27 વર્ષની શેફ માતા ચેલ્સી સાયમી અને 30 વર્ષીય પ્લાસ્ટરર પિતા માઈલ્સ ડાર્કે વિચાર્યું કે આવું તો નાના બાળકો ઘણું કહેતાં હોય છે. પરંતુ, હવે ગિન્જર ફાયર પ્રેસ દ્વારા તેનું પુસ્તક સત્તાવાર પ્રકાશિત થયું છે.
માતા ચેલ્સી કહે છે કે, અમને ખરેખર બેલા વિશે ગર્વ છે અને ખરેખર કેટલું અદ્ભૂત છે તે માની શકાય તેમ નથી. તેને મળેલા સપોર્ટ અને કદર બદલ અમે સહુના આભારી છીએ. તેને વાંચવાનું અને ડ્રોઈંગ કરવું ઘણું ગમે છે. બેલાએ તે પુસ્તક લખવા માગે છે તેમ કહ્યું ત્યારે તેના વિશે કોઈ વિશેષ અપેક્ષા ન હતી તેમ પણ ચેલ્સીએ સ્વીકાર્યું હતું. 

બેલા પોતાના પુસ્તક વિશે કહે છે કે, ‘આ સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે અને બધા તેને ખરીદે તેમ હું ઈચ્છું છું. મને મારી જાત અને અન્ય લેખકો પર બહુ જ ગર્વ છે.’ પુસ્તકના મોટા ભાગના ચિત્રો પણ તેણે જાતે જ દોર્યાં છે. બેલા હજુ વધારે પુસ્તકો લખવા માગે છે.

રેકોર્ડધારક ભારતીય બાળલેખિકા
હાલ સૌથી નાની વયની લેખિકાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ભારતીય અભિજિતા ગુપ્તાના નામે છે, જેનું પુસ્તક ‘Happiness All Around’ સાત વર્ષની વયે પ્રકાશિત થયું હતું. અભિજિતાએ કવિતાઓ અને વાર્તાસંગ્રહનું આ પુસ્તક કોવિડ મહામારીના ગાળામાં લખ્યું હતું. તેણે માત્ર પાંચ વર્ષની વયથી લખવાની શરૂઆત કરી હતી. જોકે સર્જનાત્મકતા અભિજિતાના લોહીમાં વહે છે એમ આપણે કહી શકીએ. અભિજિતા ભારતના રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત અને તેમના નાના ભાઈ સંતકવિ સિયારામશરણ ગુપ્તની પૌત્રી છે. અભિજિતા તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિતા આશિષ ગુપ્તા અને ઈજનેરમાંથી ઉદ્યોગસાહસિક બનેલાં માતા અનુપ્રિયા સાથે રહે છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા 17 સપ્ટેમ્બર 2020ના રોજ અભિજિતાને ‘યંગેસ્ટ ઓથર ઓફ સ્ટોરી એન્ડ પોએટ્રી બૂક’ તરીકે માન્યતા આપી હતી. ધ એશિયા બૂક ઓફ રેકોર્ડ્સ દ્વારા તેને ‘ગ્રાન્ડમાસ્ટર ઈન રાઈટિંગ’નું બિરુદ અપાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter