પાંચ વર્ષનો વર્ક વિઝા હોવા છતાં યુવતીનો ભારત પરત ફરવાનો સાહસિક નિર્ણય

યુકેમાં મને ભારત જેવું સુખ પ્રાપ્ત થઇ રહ્યું નથી

Tuesday 06th August 2024 11:12 EDT
 
 

લંડનઃ એકતરફ ભારતના અમીરો અને વિદ્યાર્થીઓ વિદેશોમાં ઉચાળા ભરી રહ્યાં છે ત્યારે બીજીતરફ એક ભારતીય મહિલાએ યુકેમાં પાંચ વર્ષની વર્ક પરમિટ હોવા છતાં ભારતમાં વસતા પરિવાર માટે વતન પરત ફરવાનો સાહસિક નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા એક્સ પર મૂકેલી પોસ્ટના કારણે ચર્ચાનો વંટોળ શરૂ થયો છે.

તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુકેમાં સ્થાયી થવાના મેં પ્રયાસો કર્યા હતા પરંતુ હું અહીં સાચું સુખ પ્રાપ્ત કરી શક્તી નથી. એપ્રિલમાં તેણે પોતાના ફોલોઅર્સને સવાલ કર્યો હતો કે શું મારે હંમેશ માટે ભારત પરત ફરવું જોઇએ. હા, હું ભારતમાં યુકે જેટલી કમાણી કરી શકીશ નહીં પરંતુ સાચી રીતે ખુશ રહી શકીશ અને મારા દેશની યાદોમાં ખોવાયેલાં નહીં રહેવું પડે.

તેણે જણાવ્યું હતું કે, લોકો મને મૂર્ખ કહી શકે છે કારણ કે પાંચ વર્ષના વર્ક વિઝા હોવાના કારણે હું સરળતાથી યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી અને નાગરિકતા પ્રાપ્ત કરી શકી હોત પરંતુ કયા ભોગે... હું મારી ભારતીય નાગરિકતા ગુમાવવા માગતી નથી તો પછી હું યુકેમાં શું કરી રહી છું. મેં નોકરી છોડી દીધી છે અને હું ભારત પરત ફરી રહી છું. વિદેશમાં જીવન બહુ સુખી હોય છે તેવી માન્યતા ખોટી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter