પાંચમાંથી ચાર કાઉન્સિલ દ્વારા શરણાર્થીઓને આવકાર નહિ

Wednesday 10th August 2016 06:22 EDT
 
 

લંડનઃ બ્રિટને ગયા વર્ષે શરણાર્થીઓ માટે પોતાના દ્વાર ખુલ્લાં કર્યાં પછી પણ પાંચમાંથી ચારથી વધુ કાઉન્સિલોમાં એક પણ શરણાર્થીને આવકાર અપાયો નહિ હોવાનું સાંસદોની સર્વપક્ષીય હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના રિપોર્ટમાં જણાવાયું છે. સીનિયર કેબિનેટ મિનિસ્ટર્સના મતક્ષેત્રોમાં આવતાં સમૃદ્ધ મધ્યમવર્ગીય વિસ્તારોની કાઉન્સિલોએ પણ શરણાર્થી પુનર્વસન યોજનાનો અમલ કર્યો નથી. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને ગત સપ્ટેમ્બરમાં યુકે ૨૦૨૦ સુધીમાં સૌથી અસલામત ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થીઓનું પુનર્વસન કરશે તેવી જાહેરાત કરી હતી.

શરણાર્થી પુનર્વસન યોજનામાં સ્ત્રીઓ અને છોકરીઓ, બાળકો, હિંસા અથવા અત્યાચારનો શિકાર બનેલા તેમજ તબીબી સારવારની અત્યંત આવશ્યકતા ધરાવનારા અને અશક્ત લોકોનો સમાવેશ થાય છે. આમ છતાં, ઘણી કાઉન્સિલોએ નિર્વાસિતોને સ્થાન આપવામાં કોઈ રસ દર્શાવ્યો નથી. રિપોર્ટ અનુસાર માર્ચ મહિના સુધીના ૧૨ મહિનામાં માત્ર ૧,૬૦૨ નિર્વાસિતોનું પુનર્વસન કરાયું છે, જેમાં ૩૯૨ સ્થાનિક ઓથોરિટીઝમાંથી માત્ર ૬૮ સત્તાવાળાએ આ કામગીરી કરી છે. લંડનના ચાર બરોઝ દ્વારા શરણાર્થીનો સ્વીકાર કરાયો છે.

વડા પ્રધાન થેરેસા મે, ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનના મતક્ષેત્રમાં આવતી એક પણ કાઉન્સિલે નિર્વાસિતોને સ્વીકાર્યા નથી, જ્યારે પૂર્વ વડા પ્રધાન કેમરનની લોકલ ઓથોરોટી વેસ્ટ ઓક્સફર્ડશાયર દ્વારા ૧૦ શરણાર્થીનું પુનર્વસન કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter