લંડન
રિશી સુનાક અને સાજિદ જાવિદના કેબિનેટમાંથી રાજીનામા બાદ ટોરી સાંસદોનું સમર્થન ગુમાવી બેઠેલા બોરિસ જ્હોન્સનના રાજીનામાને બે મહિના વીતી ગયાં છે. છેલ્લા બે મહિનાથી કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની પસંદગી માટેની લાંબીલસ પ્રક્રિયા ચાલી રહી છે. એકતરફ બ્રિટનની 6 કરોડ 70 લાખ કરતાં વધુની વસતી કાળઝાળ મોંઘવારીમાં ધકેલાઇ ગઇ છે ત્યારે સત્તાધારી પાર્ટીમાં લીડરશિપની રેસના કારણે સરકારને નીતિવિષયક લકવો મારી ગયો છે. પ્રજાના સળગતા સવાલો જાણે કે અભેરાઇ પર ચડાવી દેવાયાં છે. નેતાની પસંદગી માટેની આટલી લાંબી પ્રક્રિયામાં ફક્ત બે લાખ ટોરી કાર્યકરો મતદાન કરી રહ્યાં છે. એમ લાગી રહ્યું છે કે 6 કરોડથી વધુ બ્રિટિશરોના ભાવિના નિર્ણયો બે લાખ ટોરી કાર્યકરો દ્વારા પસંદ કરાયેલા નેતા દ્વારા કરાશે. 2019માં બોરિસ જ્હોન્સનની પસંદગી સમયે 1,60,000 ટોરી કાર્યકરો દ્વારા મતદાન કરાયું હતું. ગયા વર્ષે મતાધિકારધરાવતા ટોરી કાર્યકરોની સંખ્યા લગભગ બે લાખની આસપાસ પહોંચી હોવાનો અંદાજ છે. જે લોકો ઓછામાં ઓછા 3 મહિના પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય બન્યા હોય તેમને નેતાની પસંદગીમાં મતદાન કરવાનો અધિકાર અપાય છે. રિશી સુનાક અને લિઝ ટ્રસ વચ્ચેના લીડરશિપ જંગમાં ટોરી સભ્યો બીજી સપ્ટેમ્બર સુધી મતદાન કરી શકશે અને પાંચમી સપ્ટેમ્બરે આ મતદાનના પરિણામ જાહેર કરાશે. આમ પાંચમી સપ્ટેમ્બરે બ્રિટનને નવા વડાપ્રધાન મળી જશે. આ પ્રક્રિયાની વિડંબણા એ છે કે બ્રિટનની કુલ વસતીના ફક્ત 0.3 ટકા લોકો નવા વડાપ્રધાનની પસંદગી કરી રહ્યાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીના આ મતદારોમાં 66 ટકા તો પુરુષ છે. તેમાંથી 39 ટકા 65 કે તેથી વધુ વયના છે જ્યારે અન્ય 19 ટકા 50થી 64 વર્ષના છે. બ્રિટનની કુલ વસતીના 20 ટકા કરતાં ઓછા લોકો 65 કે તેથી વધુ વયના છે. ટોરી પાર્ટીના આ બે લાખ જેટલા સભ્યોમાં 96 ટકા શ્વેત છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો સામાન્ય મતદારો કરતાં ઘણા સમૃદ્ધ પણ છે. એક સરવે પ્રમાણે 57 ટકા બ્રિટિશરો ABC1 કેટેગરીમાં આવે છે જે મિડલ અને અપર ક્લાસ દર્શાવે છે. 80 ટકા ટોરી સભ્યો પણ આ કેટેગરીમાં સામેલ છે. ટોરી પાર્ટીના સભ્યો મુખ્યત્વે સધર્ન ઇંગ્લેન્ડમાં છે જેની વસતી બ્રિટનની કુલ વસતીના 33 ટકા જ છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો પર એક નજર
37 ટકા - મહિલા
63 ટકા - પુરુષ
96 ટકા – શ્વેત
39 ટકા - 65 કે તેથી વધુ વયના
19 ટકા – 50થી 64ની વયના
36 ટકા – 25થી 49ની વયના
06 ટકા – 18થી 24ની વયના
80 ટકા – મધ્યમ અને ઉચ્ચ વર્ગના
20 ટકા – નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબ
14 ટકા – લંડન
42 ટકા – સધર્ન ઇંગ્લેન્ડ
18 ટકા – મિડલેન્ડ અને વેલ્સ
20 ટકા – નોર્થ ઇંગ્લેન્ડ
06 ટકા – સ્કોટલેન્ડ


