પાઉન્ડ નબળો પડતાં માઈગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો

Tuesday 22nd November 2016 13:07 EST
 

લંડનઃ યુકેમાં પાઉન્ડ નબળો પડતાં તેમજ યુરોપિયન લોકો સામે તિરસ્કારના ગુના વધતાં માઈગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ દ્વારા જણાવાયું છે. યુરો સામે સ્ટર્લિંગ પાઉન્ડના મૂલ્યમાં થયેલા ૧૬ ટકાના ઘટાડાને લીધે બ્રિટન પ્રત્યેનું આર્થિક આકર્ષણ ઓછું થયું છે.

ઈન્સ્ટિટ્યુટે દાવો કર્યો છે કે ૩,૩૦,૦૦૦ લોકોનું વિક્રમજનક નેટ માઈગ્રેશન થવાને લીધે બેરોજગારીમાં વૃદ્ધિની અર્થશાસ્ત્રીઓએ કરેલી આગાહીને લીધે વિદેશી વર્કરો હવે અન્ય દેશો તરફ વળશે અને માઈગ્રેશનનું પ્રમાણ ઘટશે. આ વર્ષે કુલ ૬,૧૦,૦૦૦ જોબ્સમાં ઈયુના નાગરિકોનો હિસ્સો સૌથી વધુ ૨,૮૦,૦૦૦નો રહ્યો હતો. ઈન્સ્ટિટ્યુટના સિનિયર રિસર્ચ ફેલો જોનાથન પોર્ટેસે જણાવ્યું હતું કે કાયદામાં અથવા નીતિમાં ફેરફારની કોઈ અસર થાય તે પહેલા આગામી બે વર્ષમાં ઈયુ તરફથી નેટ માઈગ્રેશનમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા છે.

છેલ્લાં થોડા મહિનામાં બ્રિટનમાં જોબ ગ્રોથ ધીમો પડ્યો છે અને ૨૦૧૭માં બેરોજગારીનો દર ૪.૯ ટકાથી વધીને ૫.૬ ટકા થવાની ઈન્સ્ટિટ્યુટની ધારણા છે. ઈયુનો બેરોજગારી દર ૯.૨ ટકાથી ઘટીને ૮.૬ ટકા થયો હોવાથી આ અંદાજ મૂકવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter