લંડનઃ પહલગામ હુમલાના વિરોધમાં બ્રિટિશ ભારતીય સમુદાયે શુક્રવારે લંડન સ્થિત પાકિસ્તાની હાઇ કમિશન સામે શાંતિપુર્ણ દેખાવો કર્યાં હતાં. આ દરમિયાન એક વરિષ્ઠ પાકિસ્તાની સૈનિક અધિકારી ગળુ કાપવાનો સંકેત આપતી ચેષ્ટા કરતાં વીડિયોમાં ઝડપાઇ ગયો હતો. પાકિસ્તાની અધિકારીના હાથમાં ભારતીય વાયુસેનાના પાઇલટ અભિનંદન વર્ધમાનનું પોસ્ટર હતું અને ગળું કાપવાનો ઈશારો કરી રહ્યો હતો. પાકિસ્તાની ડિપ્લોમેટે ઘૃણાસ્પદ કૃત્ય કરતાં ભારતીયોની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આ અધિકારીએ પોતાના હાથમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનનું પોસ્ટર રાખ્યું હતું, જેને ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાની સેના દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. આ પોસ્ટર પર લખ્યું હતું - ચાય ઈઝ ફેન્ટાસ્ટિક, એટલે કે ચા અદ્ભુત છે.
આ દેખાવમાં 500 કરતાં વધુ ભારતીય સમુદાયના લોકો એકઠાં થયાં હતાં. દરમિયાન આ દેખાવો દરમિયાન પાકિસ્તાન હાઇ કમિશનની બારીના કાચ તોડવાના આરોપસર એક બ્રિટિશ ભારતીયની ધરપકડ કરાઇ હતી. મેટ્રોપોલિટન પોલીસે 41 વર્ષીય અંકિત લવની ધરપકડ કરી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેના પર ક્રિમિનલ ડેમેજનો આરોપ મૂકાયો છે.
બીજીતરફ લંડનમાં ભારતીય હાઇ કમિશન સામે રવિવારે વિરોધ પ્રદર્શન કરવા એકઠાં મળેલા મુઠ્ઠીભર બ્રિટિશ પાકિસ્તાનીઓને સેંકડો બ્રિટિશ ભારતીયોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. રવિવારે 50 જેટલા પાકિસ્તાનીઓ ભારતીય હાઇ કમિશન સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા હતા. તેની જાણ થતાં જ સેંકડો ભારતીયો હાઇ કમિશન ખાતે ઉમટી પડ્યાં હતાં.