પાક. સ્થિત બ્રિટિશ હાઇકમિશ્નરની પીઓકે મુલાકાતથી ભારત ધૂંઆપૂંઆ

ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનું ઉલ્લંઘન અસ્વીકાર્યઃ વિદેશ મંત્રાલય

Tuesday 16th January 2024 12:19 EST
 
 

લંડનઃ પાકિસ્તાન સ્થિત બ્રિટિશ હાઇ કમિશ્નરની 10 જાન્યુઆરી 2024ના રોજ પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની મુલાકાત સામે ભારત સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર વિરોધ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક એકતાનું આ પ્રકારે ઉલ્લંઘન સ્વીકાર્ય નથી. ભારતના વિદેશ સચિવે ભારત સ્થિત બ્રિટિશ હાઇ કમિશ્નર સમક્ષ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના આંતરિક હિસ્સો રહ્યાં છે. પાકિસ્તાન સ્થિત બ્રિટિશ હાઇ કમિશ્નર જેન મેરિયટે 10 જાન્યુઆરીના રોજ પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરના મીરપુરની મુલાકાત લીધી હતી.મેરિયટે પોતાની મુલાકાતને ઉચિત ગણાવતા જણાવ્યું હતું કે, 70 ટકા બ્રિટિશ પાકિસ્તાની મીરપુરના વતની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2023માં પાકિસ્તાન સ્થિત અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમે પીઓકેના મુઝફ્ફરાબાદની મુલાકાત લીધી તે સમયે પણ ભારત સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સમુદાય ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખઁડતાનું સન્માન કરશે. ભારત પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરને પોતાનો જ હિસ્સો ગણે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter