પાકિસ્તાનમાં બિનમુસ્લિમ લઘુમતી સમુદાયો પર અત્યાચાર

પાકિસ્તાનમાં છોકરીઓ અને યુવતીઓનાં અપહરણ, બળજબરીથી લગ્ન અને બળપૂર્વક ધર્માન્તર’ મુદ્દે ધ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા ઈન્ક્વાયરી

કપિલ દૂદકિઆ Wednesday 27th January 2021 00:36 EST
 
 

ધ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા ‘Abduction, Forced Marriage, and Forced Conversion of Girls and Young Women in Pakistan (પાકિસ્તાનમાં છોકરીઓ અને યુવતીઓનાં અપહરણ, બળજબરીથી લગ્ન અને બળપૂર્વક ધર્માન્તર)’ ઈન્ક્વાયરીમાં પુરાવાઓ માટે જાહેરાત કરાઈ છે જેની અંતિમ સમયમર્યાદા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ છે. અગાઉ ઘણી વખત આ મુદ્દાઓ ઉઠાવનારા લોર્ડ એલ્ટન આ તપાસનું વડપણ સંભાળશે. આ ઈન્ક્વાયરી ખાસ કરીને પાકિસ્તાન જેવા દેશોમાં ક્રિશ્ચિયન મહિલાઓ અને છોકરીઓનું ઈસ્લામમાં બળપૂર્વક ધર્માન્તર કરાવાય છે તેના સંદર્ભમાં છે.

જોકે, આ મુદ્દો માત્ર ક્રિશ્ચિયન્સ સંબંધિત નથી, તે પાકિસ્તાનમાં તમામ બિનમુસ્લિમ લઘુમતીઓને અસર કરે છે. પાકિસ્તાનમાં ‘કાફિરો’ના આત્માનું રક્ષણ કરવાની બાબત જોરશોરથી ચાલી રહી છે. આ બધુ જ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન, પાકિસ્તાન સરકાર, પાકિસ્તાનના ન્યાયતંત્ર, પાકિસ્તાનમાં માનવ અધિકાર સંગઠનો, પાકિસ્તાનની NGO, પાકિસ્તાનના મુલ્લાઓ અને ઈસ્લામિક નેતાઓ, પાકિસ્તાની મીડિયા અને ચોક્કસપણે પાકિસ્તાનના લોકોની ખુલ્લી નજર હેઠળ થઈ રહ્યું છે. પાકિસ્તાનના લોકો દ્વારા આચરાયેલો આ રાષ્ટ્રીય અપરાધ જેને તેમના પોતાના ખુદા દ્વારા પણ કદી માફ નહિ કરાય.

થોડા સપ્તાહો અગાઉ મેં ‘Persecution of Minorities in Pakistan’ મથાળા સાથે લેખ લખ્યો હતો અને ઘણા મુદ્દાઓ આવરી લીધા હતા. આ ઉપરાંત, સંપૂર્ણ ઈન્ક્વાયરી કરાવવા આપણા વડા પ્રધાનને ખુલ્લો પત્ર લખવા બદલ અગ્રણી રાષ્ટ્રીય હિન્દુ સંગઠનોની સરાહના પણ કરી હતી. હવે હું આશા રાખું છું કે યુકેમાં પ્રત્યેક હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સંગઠનો લોર્ડ એલ્ટનને પત્ર પાઠવશે તેમજ તેમની સંબંધિત કોમ્યુનિટીઝ પાકિસ્તાનમાં છોકરીઓ અને યુવતીઓનાં અપહરણ, બળજબરીથી લગ્ન અને બળપૂર્વક ધર્માન્તરના દુષણોનો શિકાર બની છે તેના વિશે પુરાવાઓ પણ આપશે.

ખુદ પાકિસ્તાનની પાર્લામેન્ટ ઓફ પાકિસ્તાનના જ સભ્યે જણાવ્યું છે કે,‘૧૯૪૭ના વિભાજન સમયે પાકિસ્તાનની લગભગ ૨૩ ટકા વસ્તી બિનમુસ્લિમ નાગરિકોની બનેલી હતી. આજે બિનમુસ્લિમ નાગરિકોની સંખ્યા ઘટીને માત્ર ૩ ટકા જેટલી રહી છે.’ બોલો, મારે વધુ કહેવાની જરુર લાગે છે ખરી?

આરઝુ રાજાની વાત કરીએ તો, ગયા વર્ષે કરાચીમાં તેના ઘરની નજીકની શેરીમાંથી તેનું અપહરણ કરી જવાયું અને તેને ઈસ્લામ ધર્મ અપનાવવાની અને તેના ૪૩ વર્ષીય મુસ્લિમ અપહરણકાર સાથે લગ્ન કરવાની ફરજ પડાઈ હતી. લોર્ડ એલ્ટને પ્રશ્ન કર્યો હતો કે,’૧૩ વર્ષની એક બાળા જે પોતાના જ ધર્મને બરાબર સમજી શકતી ન હોય, તે કેવી રીતે બે-ત્રણ દિવસમાં ઈસ્લામને વિસ્તારથી સમજી શકે અને રાતોરાત ધર્માન્તર કરે?’

પાકિસ્તાનના ‘Child Marriage Restraint Act, 1929- ચાઈલ્ડ મેરેજ રિસ્ટ્રેઈન્ટ એક્ટ, ૧૯૨૯’માં જણાવાયું છે કે પાકિસ્તાનમાં લગ્ન કરી શકવાની લઘુતમ વય ૧૬ વર્ષની છે અને Sindh Child Marriage Restraint Act 2013 – સિંધ ચાઈલ્ડ મેરેજ રિસ્ટ્રેઈન્ટ એક્ટ, ૧૯૧૩’ સ્પષ્ટ કરે છે કે સિંધમાં લગ્ન માટે કોઈ પણ પક્ષકારની વય ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જરુરી છે. જોકે, કોર્ટ અને જજે પોતાના જ કાયદાઓને નજરઅંદાજ કર્યા હતા!

પાકિસ્તાન ત્રાસવાદને વરેલો દેશ છે જેના પર માત્ર ઈસ્લામિક નહિ, લશ્કરી કટ્ટરવાદીઓનો અંકુશ છે. વડા પ્રધાન ઈમરાન ખાન પોતાના લઘુમતીઓના માનવાધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં સફળ આ બર્બર-જંગલી દેશનો ચહેરો છે.

યુનિવર્સિટી ઓફ બર્મિંગહામનો ‘Forced Conversions & Forced Marriages in Sindh, Pakistan – ફોર્સ્ડ કન્વર્ઝન્સ એન્ડ ફોર્સ્ડ મેરેજીસ ઈન સિંધ, પાકિસ્તાન’ મથાળા સાથેનો રિપોર્ટ કહે છે કે,‘ પાકિસ્તાન બળજબરીથી ધર્માન્તર અને બળપૂર્વકના લગ્નો અંગે અસુરક્ષિત લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાના આંતરરાષ્ટ્રીય કરારો હેઠળની જવાબદારીઓનું પાલન કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે.’

હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાન (HRCP) અનુસાર દર વર્ષે ઓછામાં ઓછી ૧,૦૦૦ બિનમુસ્લિમ બાળાઓનું બળપૂર્વક ઈસ્લામમાં ધર્માન્તર કરાવાય છે. આમાંથી મોટો હિસ્સો સિંધમાં હિન્દુ કોમ્યુનિટીની બાળાઓનો છે. મારા મત મુજબ તો આ રાષ્ટ્રીય શરમ-કલંકની ટોચ માત્ર છે.

હું યુકેના દરએક પાકિસ્તાની સંગઠનને આવી રીતરસમો ઘૃણાસ્પદ છે અને સભ્ય નાગરિક સમાજમાં તેનું કોઈ સ્થાન નથી એમ ખુલ્લેઆમ કહેવાની હાકલ કરું છું. તેઓ શિકાર બનેલાના પક્ષમાં છે કે આવા ઘૃણાસ્પદ અપરાધના આચરનારાઓના પત્રમાં છે તે જાણવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે જોઈએ કે આ પડકાર કોણ ઝીલી લે છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter