લંડનઃ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર થઇ રહેલા અત્યાચારોને ઉઘાડા પાડવા ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓન ફ્રીડમ ઓફ રિલિજિયન ઓર બિલીફ દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સાંસદો, માનવ અધિકાર કાર્યકરો અને સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર થઇ રહેલા અત્યાચારોના દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.
પાકિસ્તાનમાં લશ્કરી અને રાજકીય મશીનરીના ઓછાયામાં ધાર્મિક લઘુમતી સમુદાયોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર પ્રેરિત આ અત્યાચારો પર આ બેઠકમાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં હિન્દુ, ખ્રિસ્તી, શિયા અને એહમદિયા સમુદાયો પર થતા અત્યાચાર એકલ દોકલ ઘટનાઓ નથી. પાકિસ્તાનની સરકાર અને સેનાના સમર્થન સાથે એક વ્યૂહરચના અંતર્ગત આ અત્યાચારો કરાય છે.
ધાર્મિક સ્વતંત્રતાના પ્રખર હિમાયતી એવા બ્રિટિશ સાંસદ જિમ શેનોને લઘુમતી સમુદાયો પર અત્યાચારોમાં પાકિસ્તાનની ભુમિકાની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુનિયોજિત રીતે આ પ્રકારના અપરાધો થઇ રહ્યાં છે.
બેઠકમાં હિન્દુ અને ખ્રિસ્તી સગીરાઓના અપહરણ અને લગ્ન કરીને તેમના ધર્મપરિવર્તનનો મામલો પણ ઉઠાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના સિંધમાં દર વર્ષે 500થી 1000 લઘુમતી સમુદાયની સગીરાઓના અપહરણ કરાય છે.